છોટાઉદેપુર, કવાંટ, બેચરાજીમાં ૬ ઈંચથી વધુ વરસાદ
૨૧૫ તાલુકામાં મન મુકીને વરસ્યા મેઘરાજ, જામનગરમાં આભ ફાટ્યુ, ૩ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
ગાંધીનગર : રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૦ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૮ ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૫ તાલુકામાં ૪ થી ૮ ઈંચ, ૬૦ તાલુકામાં ૨ થી ૪ ઈંચ, ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણામાં આભ ફાટ્યા બાદ ૩ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. કાલાવડમાં પણ ૪ કલાકમાં ૬ ઈંચ વરસાદ થયો હતો. છોટાઉદેપુરમાં ૭.૫ ઈંચ, કવાંટમાં ૬.૭૩ ઈંચ અને ધ્રોલ તેમજ જોડિયામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં ૨૭ જુલાઈ સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેવાનુ પૂર્વાનુમાન કર્યુ છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ જ્યારે અમુક સ્થળોઓ મૂસળધાર વરસાદ વરસી શકે છે.
ખેડા જિલ્લાના કપડવંજમાં સવા બે ઈંચ, નડિયાદ, મહુધા, કઠલાલ અને મહેમદાવાદમાં દોઢ ઈંચ, આણંદ-ખંભાતમાં એક, ઉમરેઠમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તરગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. વિજયનગરમાં પણ વરસાદ પડતા પોળો ફોરેસ્ટમાં ફરવા આવેલા સહેલાણીઓ ખુશ થઈ ગયા હતા. અરવલ્લીમાં પણ સવા ઈંચ વરસાદ પડવાને કારણે પાકને જીવનદાન મળ્યુ હતું. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો અહીં સામાન્ય વરસાદ વરસ્યો હતો. રવિવારના રોજ સાંજ સુધી ઊંઝામાં ૧૧ મિમિ, કડીમાં ૩, ખેરાલુમાં ૨, જોટાણામાં ૨, બહુચરાજીમાં ૫, વડનગરમાં ૨, વિજાપુરમાં ૯મિમિ વરસાદ નોંધાયો હતો.
Other News : વડોદરા : બાળગોકુલમ સંસ્થામાં ઉછરતા ૧૬ વર્ષના બાળકને દંપતિએ ફોસ્ટર કેરમાં લીધો