કોરોના સામે વધુ સુરક્ષા માટે આણંદ જિલ્લામાં આજથી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત
બીજો ડોઝ લીધાને ૯ માસ પુરા થયા હોય તેવા હેલ્થ કેર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ થી વધુ ઉંમરની વ્યક્તિઓ પ્રીકોશન (બુસ્ટર) ડોઝ લઇ શકશે
આણંદ : જિલ્લામાં આજે તા.૧૦/૧/૨૦૨૨ને સોમવારથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનો પ્રારંભ જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીની રાહબરી હેઠળ કરવામાં આવ્યો.
આ અંગેની વિગતો આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું કે, આ રસી લેવાથી વ્યક્તિના શરીરમાં કોરોના વિરોધી એન્ટીબોડીઝનું સ્તર ઊંચુ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે. જે વ્યક્તિઓએ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો હોય અને ૯ માસ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિઓ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લેવાને પાત્ર બને છે.
આણંદ જિલ્લામાં ૧૩,૫૨૮ હેલ્થ કેર વર્કર, ૧૫,૭૫૨ ફ્રન્ટલાઇન વર્કર અને ૧૨,૪૭૭ ૬૦ વર્ષથી ઉપરના કોમોર્બીડીટી (ગંભીર પ્રકારની) રોગ ધરાવતા વ્યક્તિઓ મળી કુલ-૩૧,૩૫૧ વ્યકિતઓને ક્રમાનુસાર બુસ્ટર ડોઝ આપવાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘનિષ્ઠ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલ આ પ્રીકોશન (બુસ્ટર) ડોઝ લેવા માટે હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અને બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૧,૬૪૨ હેલ્થ વર્કર ૬૬૪ ફ્રન્ટલાઇન વર્કર તથા ૪,૨૧૬ ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓ મળી કુલ-૬,૫૨૨ વ્યકિતઓએ પ્રીકોશન (બુસ્ટર) ડોઝ મૂકાવી દીધો છે હોવાનું ડૉ. છારીએ જણાવ્યું હતું.
ડૉ. છારીએ વધુમાં જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કોવિડ-૧૯ રસીક૨ણથી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા કોવિડ ૧૯ ૨સીકરણનો બુસ્ટર ડોઝ લેવા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ દ્વારા ચરોતરવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
Other News : આણંદમાં કોરોનાના કેસો વધતા આરોગ્ય તંત્ર એલર્ટ : ઘરે-ઘરે ફરીને આરોગ્યની ચકાસણી કરાશે