આતંકીઓએ હિન્દુઓની વેશભૂષા ધારણ કરી ઘૂસણખોરી કરી હોવાની માહિતી…
ચેન્નાઇ,
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ રાજ્યમાં સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર હેઠળ ઘુસપેઠ કરવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાની આતંકવાદીઓ હવે ભારતમાં ઘુસપેઠ કરવાનો નવો રસ્તો શોધી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ સાવધાન કર્યા છે કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ૬ આતંકીઓ શ્રીલંકાના રસ્તાથી તમિલનાડુના કોઈમ્બતુરમાં ઘુસી ગયા છે. આતંકીઓના ઘુસપેઠની સૂચના મળ્યા બાદ તમિલનાડુમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
સૂત્રો મુજબ આ આતંકવાદીઓ શ્રીલંકાના રસ્તેથી ભારતમાં પ્રવેસ્યા છે. આ ૬ આતંકવાદીઓમાંથી એક પાકિસ્તાની અને એક શ્રીલંકાનો તમિલ આતંકી છે. આ બધા આતંકવાદી મુસ્લિમ છે અને તેમણે હિન્દુઓની વેશભૂષા ધારણ કરેલી છે. લશ્કરના આતંકવાદીઓએ તિલક તથા ભભૂત લગાવેલી છે. એલર્ટને જોતા રાજધાની ચેન્નૈ સહિત સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે.
ચેન્નાઇમાં સુરક્ષાકર્મીઓએ પેટ્રોલિંગ વધારી દીધું છે અને મહત્વપૂર્ણ જગ્યાઓ પર પોલીસકર્મીઓની સંખ્યા વધારી દેવાઈ છે. આ ઉપરાંત ક્યૂઆરટી ટીમને પણ તહેનાત કરાઈ છે. મુખ્ય રસ્તાઓ પર સુરક્ષાકર્મીઓ લોકોની તપાસ કરી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે લશ્કરના આતંકવાદીઓને શ્રીલંકામાં કેટલાક લોકોએ ભારતમાં ઘુસવામાં મદદ કરી છે.
આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ વડા દિલબાદ સિંહે બુધવારે કહ્યું હતું કે ઘાટીમાં આતંક વિરોધી ઓપરેશનો ચાલુ રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે આતંકીઓને અલગ કરવા અને તેમના પર પ્રેશર વધારવાનું કામ અમે કરતા રહીશું. તેમણે આ વાત બારામુલામાં થયેલા એન્કાઉન્ટર બાદ કહી હતી. જણાવી દઈએ કે આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ આ ઘાટીમાં થયેલી પહેલા અથડામણ હતી.