રિટેલ વિક્રેતાઓ પૂરના નામે ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાના બનાવો…
મુંબઇ : મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોથી મુંબઇ આવતી શાકભાજીની આવક ઘટવાને કારણે ભાવમાં વધારો થતાં મોટા ભાગની બજારોમાં પૂરના નામે વિક્રેતાઓ ગ્રાહકોને લૂટી રહ્યા હોવાના ઘણા બનાવો પર પ્રકાશ પડ્યો હતો. રિટેલ માર્કેટમાં મોટા ભાગના શાકભાજીના ભાવ રૂ. ૧૦૦ સુધી પહોંચી ગયાં છે. નાશિક અને પુણેમાં પણ પૂરના પાણી ભરાવાને કારણે કાંદાના પાકને પણ નુકસાન થયું હોવાથી માર્કેટમાં પ્રતિ કિલો રૂ.૩૦ ના ભાવે વેચાઇ રહ્યા છે. વાશીની એપીએમસી માર્કેટમાં દરરોજ ૭૫ ટ્રક ભરીને કાંદાની આવક થતી હતી, જે મંગળવારથી ઘટીને ફક્ત ૨૫ ટ્રક થઇ હોવાથી કાંદાના હોલસેલ ભાવમાં છ અને રિટેલ ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો થયો છે. ઉપરાંત શ્રાવણ મહિનામાં લીલોતરી ભાજીની વધતી માગની સાથે તેના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે.