મુંબઈ : જેક્લીન ફર્નાન્ડિઝ અને સુશાંત સિંહ સ્ટારર ‘ડ્રાઇવ’ ફિલ્મનું પહેલું સોન્ગ ‘મખના’ રિલીઝ થયું છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાને બદલે માત્ર ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પર જ ૧ નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન’ની પહેલી ઓરિજિનલ ફિલ્મ છે જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘તમારી નેટફ્લિક્સ સ્ક્રીન્સ પર આ ડ્રાઈવને લઈને ૧ નવેમ્બરના આવી રહ્યા છીએ, આ રહ્યું પરફેક્ટ સોન્ગ.’
આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં જેક્લીન, સુશાંતની સાથે બોમન ઈરાની, પંકજ ત્રિપાઠી, વિભા છિબ્બર, સપના પબ્બી અને વિક્રમાજિત વિર્ક સામેલ છે. આ ફિલ્મને તરુણ મનસુખાનીએ ડિરેક્ટ કરી છે. તેમણે જ આ ફિલ્મ લખી છે. અગાઉ આ ફિલ્મ જૂન મહિનામાં થિયેટરમાં રિલીઝ થવાની હતી પણ પોસ્ટ પ્રોડક્શનના કામના કારણે ફિલ્મ અટવાઈ હતી. પરંતુ હવે ફિલ્મ માત્ર ઓનલાઇન પ્લેટફોર્મ પર જ ૧ નવેમ્બરે રિલીઝ થશે.
કરણ જોહરે અગાઉ જણાવ્યું હતું કે, ‘ડ્રાઇવ ફિલ્મ બનાવવા પાછળ અમારું વિઝન એક્શન ફિલ્મના જોનરને ઊંચે લઇ જવાનું હતું. નેલ બાઇટિંગ ચેઝ અને એક્શન સિક્વન્સ અદભુત કાસ્ટ દ્વારા બતાવવામાં આવ્યા છે. ડ્રાઇવ બેસ્ટ બોલિવૂડ સ્ટોરીલાઇન અને ઇન્ટરનેશનલ પ્રોડક્શન ક્વોલિટીનું કોમ્બિનેશન છે. હંમ નેટફ્લિક્સ સાથે ભાગીદારી કરીને આ અદભુત ફિલ્મ દુનિયાના એક્શન જોનરના લાખો ફેન્સ માટે લાવવા ઉત્સુક છું.’