સ્થાનિક લોકોનો દાવો છે કે ડ્રોન ગામની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે…
ફિરોઝપુર : પંજાબના ફિરોઝપુરમાં ફરી એકવખત પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. ઝુંઝારા હજારા સિંહ વાળાના સરહદી વિસ્તારમાં આવેલા ગામમાં ગ્રામ્યજનોને ગુરૂવારના રોજ સવારે બે ડ્રોન દેખાયા. સ્થાનિક લોકોના મતે ડ્રોન ગામની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા છે. બીએસએફ અને પોલીસ ડ્રોનની તપાસ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસમાં કેટલીય વખત પાકિસ્તાની ડ્રોન દેખાયા છે.
આની પહેલાં આ સપ્તાહના સોમવારની રાત્રે પંજાબના હુસૈનીવાલા સેકટરમાં બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. આ શંકાસ્પદ ડ્રોન બસ્તી રામલાલની બોર્ડર આઉટ પોસ્ટ અને હુસૈનીવાલાના એચકે ટાવર પોસ્ટની નજીક દેખાયા અને એક કિલોમીટરની ઊંચાઇ પર ઉડી રહ્યા હતા. પહેલું ડ્રોન ૧૦ વાગ્યાથી લઇ ૧૦.૪૦ની વચ્ચે અને બીજી રાત્રે ૧૨.૨૫ વાગ્યે દેખાયું હતું.
બીએસએફ સાથે જોડાયેલા સૂત્રોના મતે આ ડ્રોન ચાંપતા બંદોબસ્તના લીધે પાછું પાકિસ્તાનની તરફ જતું રહ્યું અને થોડીક જ વારમાં તેનો અવાજ પણ બંધ થઇ ગયો. જો કે પોલીસનો દાવો છે કે આ ડ્રોન ભારતીય સરહદમાં કોઇ પણ શંકાસ્પદ વસ્તુ પાડવામાં નિષ્ફળ રહ્યું.
બીએસએફે સતત બીજા દિવસે મંગળવાર સવારે પણ સરહદી ક્ષેત્રમાં પાકિસ્તાન ડ્રોનને ઘૂસાડવાની માહિતી આપી હતી. જો કે પોલીસે કોઇ ડ્રોન જપ્ત કર્યા નથી. અને હવે ફરીથી ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યાના સમાચાર છે. જો કે સ્થાનિક લોકોનો દાવો છે કે ડ્રોન ગામની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે.
બીએસએફ અને પંજાબ પોલીસ હવે ડ્રોનની તપાસમાં લાગી ગયા છે. પાછલા દિવસોમાં કેટલીય વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં જોવા મળ્યા છે.