જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કરતાં ડ્રોન પાક.તરફ પાછા ફર્યા…
ફિરોઝપુર : પંજાબના ફિરોઝપુરમાં ફરી એક વખત ૩ પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ ઉંધા માથે થઇ છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર હુસૈનીવાલામાં બીએસએફના જવાનોને સોમવારે મોડી રાત્રે ૩ પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં અંદર પ્રવેશતા જોવા મળ્યા. જે બાદ બીએસએફના જવાનોએ ડ્રોનને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરતા જ ડ્રોન ફરી પાકિસ્તાન પરત ફરી ગયા.
સરહદે ડ્રોન જોવા મળ્યા બાદ બીએસએફે આસપાસના વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ પહેલા ૨૮ સપ્ટેમ્બરના રોજ પણ પંજાબના પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાંથી ૨ પાકિસ્તાની ડ્રોન જપ્ત કરવામાં આવ્યા હતા.
જેનો ઉપયોગ સરહદ પારથી હથિયારો પહોંચાડવા માટે કરવામાં આવ્યો. આ પહેલા પોલીસે અમૃતસરના મોહાવા ગામમાંથી ૧૩ ઓગસ્ટના રોજ દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેક્સાકોપ્ટર ડ્રોન જપ્ત થયા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સરહદ પર સુરક્ષા વધારી દીધી છે.