દિવાળીના દિવસો શરૂ થાય તે પૂર્વે ૭૦થી ૮૦ ટકાનો ધંધો થઇ જતો હતો. પરંતુ આ વખતે ૫૦ ટકા પણ ધંધો થયો નથી…
વડોદરા : સમગ્ર દેશમાં ચાલી રહેલી આર્થિક મંદીની અસર ફટાકડા બજાર ઉપર પણ પડી છે. દિવાળીના તહેવારની શરૂઆત થઇ ગઇ હોવા છતાં ફટાકડા બજારમાં માત્ર ૪૫થી ૫૦ ટકા ધંધો થતાં વેપારીઓની હાલત કફોડી બની ગઇ છે. મંદીના કારણે આ વખતે વેપારીઓનો ૫૦થી ૬૦ ટકા માલ પડી રહે તેવી સ્થિતી સર્જાઇ છે.
વડોદરા શહેરના પ્રદર્શન મેદાન ખાતે દશેરાથી ફટાકડા બજાર શરૂ થાય છે. આ ફટાકડા બજારમાં વર્ષોથી ધંધો કરતા શ્રી સાંઇ ફટાકડા માર્ટના માલિક રાજુભાઇ પવારે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં આ વખતની મંદીએ ફટાકડાના રિટેલ વેપારીઓની હાલત ખરાબ કરી નાંખી છે. દિવાળીના દિવસો શરૂ થાય તે પૂર્વે ૭૦થી ૮૦ ટકાનો ધંધો થઇ જતો હતો. પરંતુ આ વખતે ૫૦ ટકા પણ ધંધો થયો નથી. આ વખતે વેપારીઓનો ૫૦થી ૬૦ ટકા માલ પડી રહે તેવી સ્થિતિ સર્જાઇ છે.
ફટાકડા બજારમાં મંદી હોવાના કારણે વેપારીઓએ ભાવ ઘટાડ્યા છે. તેવા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, હોલેસરો માલ વેચીને બેઠા છે. તેમને કોઇ નુકસાન નથી. રિટેલ ફટાકડાના વેપારીઓને મંદીની અસર પહોંચી છે. કોઇ વેપારી ખોટ ખાઇને ધંધો કરે નહીં. કેટલાક ફટાકડામાં વેપારીઓએ ભાવો ઘટાડ્યા હશે. હવે ટીકડી, ટીકડી રોલનું સ્થાન પોપ પોપ ફટાકડાએ લીધું છે. આ ફટાકડામાં ડુપ્લિકેટ થાય છે. તો ડુપ્લિકેટ પોપપોપ વેચનારાઓએ ભાવો ઘટાડ્યા હોય. બાકી રિટેલ વેપારીઓ દ્વારા કોઇ ભાવ ઘટાડો કરવામાં આવ્યો નથી. તેમનો માલ આ વખતે પડી રહેશે., તે વાત નક્કી છે. તેના કારણે તેઓને આર્થિક ફટકો પડશે.