જાપાન : ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે વિનાશની સ્થિતિ પ્રવર્તી છે. જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મરનારા લોકોનો આંકડો 13 થઈ ગયો છે અને હજુ પણ ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે. ટોક્યોની દક્ષિણ પૂર્વમાં આવેલા ચિબા વિસ્તાર પાસે બે સપ્તાહ પહેલા વાવાઝોડું ફુંકાયુ હતું અને તેની હવાઈ ફુટેજમાં ઈમરજન્સી વર્કર્સ બે ઘરમાંથી કાટમાળ દૂર કરતા જોવા મળ્યા હતા. આ બંને ઘરો ટોક્યોની દક્ષિણ પૂર્વ ખાતે આવેલા ચિબામાં પાણી સાથે વહી ગયા હતા. અધિકારીઓએ તે વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે બે વૃદ્ધ વ્યક્તિ સહિત નવ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. આ સિવાય અગ્નિશામક દળના અધિકારીએ પૂર્વીય ફુકુશિમા પ્રાંતમાં તટ પાસેથી 40 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું. હાલમાં જાપાનની પોલીસ ડૂબકીખોરોની મદદથી ત્રણ લોકોને શોધવા માટે પ્રયત્ન કરી રહી છે. આ તરફ ટ્રેન સેવાઓ સ્થગિત થઈ ગઈ હોવાના કારણે હજારો લોકોએ નારિતા વિમાની મથક ખાતે રાત વિતાવવી પડી હતી.