તક્ષશિલાકાંડમાં ૧૪માંથી ૧૩ આરોપી છૂટી ગયા, સસ્પેન્ડ કર્મચારીઓ નોકરી પર પરત !!
અમદાવાદ : મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. આટલી મોટી ગંભીર ઘટનામાં સરકાર ફરી એકવાર સંવેદનશીલતા, સહાય, તપાસ સમિતિ, કસુરવારોને નહીં છોડાય એવું રટણ કરી રહી છે. ચૂંટણી માથા પર છે એટલે હાલ વધુ ગંભીરતા દાખવવામાં આવી રહી છે પરંતુ સમય જતા અન્ય ઘટનાઓની જેમ આ ઘટના પણ કાગળોમાં રહી જશે. સાચા કસૂરવારો હાથમાં નહીં આવે.
સુરતના તક્ષશિલાથી લઇને બોટાદ- બરવાળાના લઠ્ઠાકાંડ સહિતની ઘટનાઓમાં સરકારે આ જ રટણ કર્યું, સમિતિ બનાવી પણ મોટાં માથાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.અત્યાર સુધીની ઘટનાઓમાં સરકારે સમિતિઓ અને તપાસપંચ નીમ્યા છે. અનેકનાં વર્ષો સુધી રિપોર્ટ નથી આવ્યા જ્યારે જે સમિતિએ રિપોર્ટ સુપરત કર્યા છે તેમાં સૂચવાયેલાં પગલાં લેવાની દરકાર સરકાર લેતી નથી પરિણામે આવા રિપોર્ટ સચિવાલયમાં ફાઇલોના પોટલામાં કેદ થઈ જાય છે.
ગુજરાતમાં બનેલી ૫ મોટી દુર્ઘટનાઓમાં કમિટી રચાઈ હતી જેની સ્થિતિ જોઇએ તો ..ઓગસ્ટ ૨૦૨૦માં અમદાવાદની કોવિડ ડેડીકેટેડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા ૮ લોકોનાં મોત થયાં હતાં. નવેમ્બરમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગતા ૬ દર્દીનાં મોત થયાં હતાં. સરકારે હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડી.એ.મહેતાની અધ્યક્ષતામાં તપાસ પંચ નીમ્યુ હતું. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સહિતના આરોપી જામીન પર મુક્ત છે. જયારે મે ૨૦૧૯માં સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા ૨૨ વિદ્યાર્થીના મોત થયા હતા.
સરકારે કોઈને છોડાશે નહીં એવી ખાતરી આપી હતી.પરંતુુ હાલ ધરપકડ કરાયેલા ૧૪ પૈકી ૧૩ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. માત્ર કોચિંગ ક્લાસ સંચાલક જેલમાં છે. સસ્પેન્ડેડ ૬ અધિકારી- કર્મચારી નોકરી પર પરત ફર્યા છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલયુક્ત દારૂ પીવાથી ૫૫ના મોત થયા હતા. પોલીસે કંપનીના ડાયરેક્ટરોના નામ એફઆઇઆરમાં દાખલ કર્યા ન હતા. કેમિકલ કંપનીના મુખ્ય સંચાલક સમીર પટેલ સહિતના ડાયરેક્ટરો સામે કોઇ પગલાં નહીં. સાઇડ પોસ્ટિંગ પરના આઇપીએસને તાજેતરમાં રેગ્યુલર પોસ્ટિંગ આપી દેવાયું.
Other News : વોટ્સએપ એપની ટીમે સપ્ટેમ્બરમાં ભારતમાં ૨૬.૮૫ લાખ એકાઉન્ટ બંધ કર્યા, જુઓ કારણ