Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

Article : વરસાદની ભાષા સમજતો માણસ જીવનમાં ક્યારેય ભૂલો પડતો નથી…

પાંદડે પાંદડે ટહૂકા ફૂટે અને,
વૃક્ષ બને રજવાડું.
વાદળ કેરા મહેરામણ ઉમટે અને,
પવન લાવે ચોમાસું.


આંસુ વરસાવતી આંખોમાં આશ્ચર્ય છવાઈ જાય છે જ્યારે પોતાની અનંત છાતીમાં અમાપ સૂર્યને સંતાડતું આકાશ ભીનું ભીનું વ્હાલ વરસાવે છે.

પંખીઓના કલરવ અને પવનનાં તાણાવાણા થકી પ્રકૃતિને મનાવવા માટેના સુંદર આભુષણો તૈયાર થાય છે. અને જગત પિતા પ્રકૃતિને એ પહેરાવવા સાક્ષાત વરસાદનું અલૌકિક રૂપ ધારણ કરે છે.

આકાશ પૃથ્વી પરના અસંખ્ય સજીવોની વણ કહેલી વેદનાને સાંભળી શકવાની ક્ષમતા ધરાવે છે અને એટલે જ એકઠી થયેલી અઢળક વેદનાઓનો જવાબ વરસાદથી આપે છે. અને વરસાદ તમામ મોરચે લડી લેવાનો મિજાજ ધારણ કરી લે છે. વેદના ઝીલતો સાગર એટલે જ તો ફૂંફાડા મારે છે. વરસ્યા પછીનું આકાશ કેવું શાંત અને આલ્હાદક દીસે છે.

જો વરસાદ અલગ અલગ મિજાજ ધરાવતો ન હોત તો તેની વરસવાની રીત અલગ અલગ ન હોત. વરસાદ અલગ અલગ મિજાજ ધરાવે છે કારણકે તે આકાશેથી વરસે છે. અને આકાશની આશિકી તો જુઓ, ધરતીના આમંત્રણની રાહ જોયા વગર જ ધરતીને ભીંજવી દે છે.

ધરતીને નદીની અને નદીને સાગરની અને સાગરને વરસાદ ની ગરજ હોય છે. પરંતુ વરસાદ આઝાદ છે. છતાં તે ગરજનો દુરુપયોગ કરતો નથી અને યુગોથી એના ઋતુચક્ર મુજબ આવી પહોંચે છે.

પૃથ્વી પર રહેલી નદી નાળાં તથા ભૂમિની ગંદકી અરે મનુષ્યના ચારિત્ર્ય ની ગંદકી પણ વરસાદ તેની ઉદારતા અને કુશળતાથી સ્વચ્છ કરે છે.અને એટલે જ પ્રથમ વરસાદમાં ન ભીંજાતા માણસને ચારિત્ર્યહીન કહેવું અયોગ્ય નથી જ. આપણને સુંદર ચારિત્ર્ય બક્ષનાર આ અમૂલ્ય વરસાદ હકીકતમાં આપણને સાવ મફત મળે છે. એ આપણું સનાતન સૌભાગ્ય છે.

વરસાદી વાતાવરણમાં ક્યારેક તો મોરનાં ટહૂકા અને વરસાદ વચ્ચે કર્ણપ્રિય સ્પર્ધા જામે છે. પવન પોતાની ધૂનમાં નાચે છે ત્યારે ફુલોનો હરખ સમાતો નથી. આકાશનું વ્યવસ્થાપન એટલું જોરદાર હોય છે કે, પ્રત્યેક વરસાદી ટીપાંનું પૃષ્ઠતાણ એ રીતે ગોઠવે છે કે, પ્રત્યેક ટીપું એની નિશ્ચિત જગ્યાએ જ પડે અને વહે. આકાશ વરસાદનો ઉપકાર વહેવડાવે છે અને એટલે જ મજબૂરીમાં ભગવાનને યાદ કરી હે ભગવાન! બોલતો માણસ એક આશાભરી નજર આકાશ ભણી કરતો હોય છે.

વરસાદની ભાષા સમજતો માણસ ભૂલો પડતો નથી. કોઈ પણ પુસ્તકને સાચી દિશામાં સમજી પચાવવું હોય તો વરસાદી માહોલમાં વાંચવું જોઇએ. વરસાદી વાતાવરણમાં પ્રભુને કરેલી પ્રાર્થના સંવાદ બની જતી હોય છે. અને પ્રાર્થના કરતા સંવાદમાં ઝડપથી પ્રત્યુત્તર મળતો હોય છે. ઋતુકાળ મુજબ યોગ્ય સમયે હંમેશા આવી જતો વરસાદનો રૂઆબ પ્રત્યેક પ્રથમ આગમન સમયે અલૌકિક જ હોય છે. અને એટલે જ આપણે વરસાદને મેઘરાજા કહીએ છીએ. જળ લઇને આવતી વર્ષા પૃથ્વીના સજીવોને પોષે છે એટલે તો વર્ષાને વર્ષારાણી કહીએ છીએ. પ્રત્યેક સંબોધનને સાર્થક બનાવતો વરસાદ મનુષ્યની ક્ષણને, દિવસને, ઋતુને, કાળને અને જીવનને પણ સાર્થક બનાવવાની વિપુલ તકો આપી જાય છે ત્યારે આપ સૌમાં આ તક ઝડપી લેવાની સંવેદના વિકસે એવી શુભકામનાઓ.

લિ. એકતા ઉપેન્દ્રકુમાર ઠાકર
આચાર્યાશ્રી બામણગામ કન્યા પ્રા શાળા, બામણગામ
તાલુકો-આંકલાવ, જિલ્લો-આણંદ

Related posts

આજના દિવસે ભવ્યતાના શિખરે બિરાજમાન ઉત્તમ શિક્ષકત્વ ધરાવનારા શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ

Charotar Sandesh

“ચીની પ્રોડક્ટનો બહિષ્કાર નહીં કરવામાં આવે, તો ફરીથી ગુલામ થતાં કોઈ રોકી નહિ શકે…”

Charotar Sandesh

ભારતીય યુવાનોએ ટિક-ટોક જેવી ચીની એપ્લિકેશન મોહ ત્યાગવો પડશે…!

Charotar Sandesh