રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે.
Gandhinagar : આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે,રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ વધુ સારી રીતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે આઠ કલાક સુધી ઓ.પી.ડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે.
શ્રી અગ્રવાલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આરોગ્યસેવાઓને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે રાજય સરકારે આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના સામાન્ય જન,શ્રમજીવી પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ નિષ્ણાંત તજજ્ઞો દ્વારા સાંજના સમયે તેમજ રવિવારે પણ મળી રહે તે હેતુસર સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો આ મહત્વનો નિર્ણય કર્યો છે.
તેની સાથે સાથે લેબોરેટરી,એક્સ-રે તપાસ, ફાર્મસી,ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર,સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ,ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે.
તદઅનુસાર સવારની ઓ.પી.ડી. OPDનો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે ૦૯.૦૦ થી ૦૧.૦૦ કલાક અને સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે ૦૪.૦૦ થી ૦૮.૦૦ કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
Other News : ભૂકંપના ઝાટકાથી ધ્રુજ્યુ તાઈવાન : બે દિવસમાં ૧૦૦ જેટલા આંચકાથી હચમચ્યુ, પાટા પરથી ટ્રેન ઉથલી પડી