૧૦૦ કરોડ વસૂલીના આરોપ મુદ્દે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ…
દેશમુખ પર ૧૦૦ કરોડ વસૂલીના આરોપની તપાસ સીબીઆઇ કરશે : બોમ્બે હાઇકોર્ટે પરમબીર સિંહની અરજી પર નિર્ણય સંભળાવ્યો…
સીબીઆઇ ૧૫ દિવસમાં તપાસ કરે, ગૃહ મંત્રી પર આરોપ ગંભીર, પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી…
મુંબઈ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પદેથી રાજીનામું આપી દીધુ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે તાજેતરમાં એક પત્ર લખીને અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો.
અનિલ દેશમુખ મામલે થયેલી એનસીપીની હાઈ લેવલની મીટિંગમાં શરદ પવાર, અનિલ દેશમુખ, અજિત પવાર, અને સુપ્રીયા સુલે હાજર રહ્યા હતા. આ બેઠક જયશ્રી પટેલની અરજી પર આવેલા હાઈકોર્ટના નિર્ણય બાદ યોજાઈ. પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ છે. ત્યારબાદ જ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે.
બીજી રાજીનામું આપ્યું તે પહેલાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો ઉપર બૉમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મોટો નિર્ણય સંભળાવ્યો હતો. હાઈકોર્ટે અનિલ દેશમુખ વિરુદ્ધ CBI તપાસનો આદેશ આપી દીધો છે. હાઈકોર્ટે ૧૫ દિવસની અંદર તપાસ રિપોર્ટ સોંપવા પણ કહ્યું છે.
પરમવીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ હાઈકોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ લગાવ્યો હતો. આ અરજી પર ચુકાદો આપતા બૉમ્બે હાઈકોર્ટે કહ્યું કે, પરમવીર સિંહે લગાવેલા આરોપો ગંભીર છે. આ મામલે હ્લૈંઇ દાખલ થઈ ચૂકી છે અને પોલીસ તપાસની આવશ્યક્તા છે. હાઈકોર્ટે કહ્યું કે, અનિલ દેશમુખ પર એવા આરોપ લાગ્યા છે, જેની નિષ્પક્ષ તપાસ માટે CBIની આવશ્યક્તા છે.
બૉમ્બે હાઈકોર્ટના આદેશ બાદ રાજનીતિક પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, હપ્તા વસૂલીના રેકેટનો જલ્દી પર્દાફાશ થશે. CBI તપાસમાં સચ્ચાઈ સામે આવશે. આ દરમિયાન અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
જણાવી દઈએ કે, એન્ટાલિયા કેસમાં મુંબઈના પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ બાદ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ મામલે પૂર્વ કમિશનરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાઝેને ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે જ તેમણે દેશમુખ પર અન્ય અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા.
બીજી તરફ અનિલ દેશમુખના વિરુદ્ધ પરમવીર સિંહે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમણે હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતુ. જે બાદ પરમવીર સિંહે હાઈકોર્ટમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ અરજી આપી હતી. જેના પર કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે. જો કે પરમવીર સિંહે પોતાના પર લગાવેલા આરોપોને અનિલ દેશમુખે નકાર્યા છે.