૨૪ કલાકમાં ૧૧૬૭ લોકોના મોત, એક્ટિવ કેસ ૬.૬૨ લાખ પર પહોંચ્યા…
કોરોના વેક્સિનેશન વેગવંતી બનતા સંક્રમણમાં મોટો ઘટાડોઃ વેક્સિનેશનનો આંકડો ૨૮,૮૭,૬૬,૨૦૧ પર પહોંચી ગયો…
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, આ સાથે સોમવારે નોંધાયેલા નવા કેસની સંખ્યાએ ૯૧ દિવસ પહેલા નોંધાયેલા સૌથી ઓછા કેસ જેટલી નોંધાઈ છે. ભારતમાં ગઈકાલે ૫૩,૨૫૬ કેસ નોંધાયા હતા જેમાં આજે ૧૦,૦૦૦ કરતા વધુનો ઘટાડો નોંધાયો છે. આજે નોંધાયેલા કેસમાં મૃત્યુઆંક પણ ૧૫૦૦ કરતા નીચો જઈને ૧૦૦૦ની નજીક પહોંચ્યો છે. એક તરફ કેસ ઘટતા બજારો અને રસ્તાઓ પર ભીડ વધી રહી છે આવામાં સામાન્ય બેદરકારી ભારે પડી શકે છે, માટે જ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સતત સલાહ આપવામાં આવી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે સોમવારે દેશમાં કોરોનાના નવા ૪૨,૬૪૦ સંક્રમણ નોંધાયા છે જ્યારે ૧,૧૬૭ લોકોના પાછલા ૨૪ કલાકમાં મોત થયા છે. સતત નવા કેસમાં ઘટાડો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા મોટી હોવાથી એક્ટિવ કેસમાં પણ ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ પ્રમાણે નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા લગભગ બમણી છે.
૨૪ કલાકમાં ૮૧,૮૩૯ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨,૮૯,૨૬,૦૩૮ થઈ ગઈ છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨,૯૯,૭૭,૮૬૧ થઈ ગઈ છે. આ સાથે કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો ૩,૮૯,૩૦૨ થઈ ગયો છે.
ભારતના કોરોનાના કુલ કેસ ૩ કરોડને પાર પહોંચવામાં ૨૨ હજાર કેસ બાકી છે. જે પ્રમાણે કેસની સંખ્યા નોંધાઈ રહી છે તે જોતા આજે આંકડો ૩ કરોડને પાર કરી જશે તેવું લાગી રહ્યું છે. કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓ વધતા એક્ટિવ કેસ ઘટીને ૬,૬૨,૫૨૧ થઈ ગયો છે.
૧૬ જાન્યુઆરીએ ભારતમાં વેક્સીનેશનની શરુઆત કરવામાં આવી હતી. જેમાં સોમવારે સાંજ સુધીમાં કુલ ૨૮,૮૭,૬૬,૨૦૧ ડોઝ આપવામાં આવ્યા છે.
ICMR મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૦ જૂન સુધીમાં કુલ ૩૯,૨૪,૦૭,૭૮૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૩,૮૮,૬૯૯ સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-૧૯ના ૬,૨૭૦ નવા કેસ સામે આવ્યા છે જે છેલ્લા ચાર મહિના દરમિયાન એક દિવસમાં સામે આવેલા નવા કેસ સૌથી ઓછી સંખ્યા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને ૫૯,૭૯,૦૫૧ થઇ ગયા છે. આ દરમિયાન મહામારીથી ૯૪ અને દર્દીના મોત થતા મૃતકોની સંખ્યા વધીને ૧,૧૮,૩૧૩ થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર વ્યક્તવ્ય અનુસાર ૨૩ ફેબ્રુઆરીએ સંક્રમણના ૬,૨૧૮ નવા કેસ સામે આવ્યા હતા અને તે બાદથી આજે સૌથી ઓછા કેસ સામે આવ્યા છે.
પંજાબમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના ૩૪૦ નવા કેસ સામે આવ્યા છે તથા મહામારીથી ૨૪ વધુ દર્દીના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ કેસ ૫,૯૨,૬૫૮ થઇ ગયા છે અને મૃતકોની સંખ્યા ૧૫,૮૫૪ થઇ ગઇ છે. રાજ્યમાં હજુ પણ ૬,૪૭૭ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા એક દિવસમાં ૧,૨૭૧ લોકો સ્વસ્થ થઇ ગયા છે. આ સાથે જ સ્વસ્થ થઇ ચુકેલા લોકોની સંખ્યા ૫,૭૦,૩૨૭ થઇ ગઇ છે.