નવીદિલ્હી : નવા વર્ષના પ્રથમ ૫ દિવસમાં ખીણમાં અલગ-અલગ સ્થળોએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે પાંચ એન્કાઉન્ટર થયા છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ૮ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કરનો એક ટોચનો કમાન્ડર અને ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
પાંચ દિવસમાં ૫ એન્કાઉન્ટરમાંથી ૨ એન્કાઉન્ટર શ્રીનગર જિલ્લામાં, એક ઉત્તર કાશ્મીરના કુપવાડામાં અને એક-એક દક્ષિણ કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાં જોવા મળ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં એટલે કે, ૧ જાન્યુઆરીએ કુપવાડાના કેરન સેક્ટરમાં સેનાએ એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો.
સેનાએ કહ્યું કે, ઘુસણખોર પાકિસ્તાની નાગરિક હતો અને તેની ઓળખ લશ્કરના કમાન્ડર મોહમ્મદ શબ્બીર મલિક તરીકે થઈ હતી. ૩ જાન્યુઆરીએ, શ્રીનગરની બહારના ભાગમાં શાલીમાર અને ગુસમાં એક કલાકની અંદર બે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાંથી સક્રિય લશ્કર કમાન્ડર સલીમ પારે અને એક પાકિસ્તાની આતંકવાદી હાફિઝ, જેનું કોડ નેમ હમઝા હતું તે માર્યો ગયો છે.
૪ જાન્યુઆરીએ એટલે કે મંગળવારે પણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ એન્કાઉન્ટર ઓકે ગામમાં થયું હતું, જેમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાંચમી અથડામણ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ચાંદગામમાં થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદી સહિત ૩ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
નોંધનીય છે કે, ગત વર્ષ ૨૦૨૧માં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ૧૮૨ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાંથી ૧૬૮ કાશ્મીર વિભાગના હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ ચાંદગામ ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ અથડામણમાં ૩ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Other News : હવે કોવિડ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસીમાં ઓમિક્રોનની સારવારનો ખર્ચ કવર થશે : કેન્દ્ર સરકાર