કેટલાક ભેજાબાજો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટને ભળતી બોગસ વેબસાઇટ મારફત લોકોને છેતરી રહ્યા છે
વડોદરા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે અને રોજ હજારો પ્રવાસીઓ આવે છે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટિકિટ હાલમાં માત્ર ઓનલાઇન જ મળે છે, જેને લઇને કેટલાક ભેજાબાજો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટને ભળતી બોગસ વેબસાઇટ મારફત લોકોને છેતરી રહ્યા છે અને નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં રહેતી એક વ્યક્તિને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટિકિટ લેવા જતાં ૩ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
આ વ્યક્તિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સોશિયલ મીડિયા પરથી ટિકિટ બુક કરતાં પહેલાં સાવધાન થઈ જજો. તમારે નાણાં ગુમાવવાનો વારો આવી શકે છે. સોશિયલ મીડિયા પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવવા જતાં પ્રવાસીને ૩ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.
પ્રવાસીએ બેંક એકાઉન્ટની વિગતો આપી દેતાં ભેજાબાજોએ ૨ એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધાં હતાં
આ મામલે પ્રવાસીએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ધીરાભાઈ માનાભાઈ ડામોરને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ ખરીદવાની હતી. તેમણે ઓનલાઇન ટિકિટ માટે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું હતું, જેમાં એક કોલ સેન્ટરનો નંબર હતો અને એ નંબર પર તેમણે ફોન કર્યો હતો. આ દરમિયાન ભેજાબાજોએ બેંક એકાઉન્ટની વિગતો લઇને ૩,૦૫,૯૫૧ રૂપિયા ઉપાડી લીધા હતા. ફરિયાદી ધીરાભાઇ ડામોરના એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી ૧,૪૭,૫૮૨ અને ફોન પે સાથે જોડાયેલા જીમ્ૈંના એકાઉન્ટમાંથી ૧,૫૮,૩૬૯ રૂપિયાની છેતરપિંડી કરી હતી. એ બાબતે કેવડિયા પોલીસે આઈપીસીની કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૪૬૫ ,૪૬૮ તેમજ આઇટી એક્ટ કલમ ૬૬ડી મુજબ ગુનો નોંધ્યો હતો.
આ કેસની વધુ તપાસ પીઆઇ આર.એ.જાદવ કરી રહ્યા છે.આ પહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઊઠી હતી અને અનેક પ્રવાસીઓ સાથે ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા છેતરપિંડી કરાઇ હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે સોશિયલ મીડિયા પરથી ટિકિટ બુક કરાવવા જતા પ્રવાસીને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
Other News : ઓછા વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા