ભારતની સૌથી મોટી શક્તિ તેની અર્થવ્યવસ્થા હતી આજે તેને નષ્ટ કરી દેવામાં આવી…
વાયનાડ : મૉબ લિંચિંગ પર વડાપ્રધાનને પત્ર લખનાર ૪૯ હસ્તિઓ વિરૂદ્ધ બિહારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મુદ્દા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે જણાવ્યું કે, આજે દેશમાં એવો માહોલ થઈ ગયો છે કે, વડાપ્રધાન વિરૂદ્ધ કોઈ કંઈ પણ બોલે, તો તેમને જેલમાં નાંખી દેવામાં આવે છે.
રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં મીડિયાને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશની શું સ્થિતિ છે? આ મામલે સમગ્ર વિશ્વ જાણે છે. જો કોઈ વડાપ્રધાન વિરૂદ્ધ બોલે છે, તે પછી તેમને સવાલ પૂછે છે, તો તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આજે દેશમાં મીડિયાના અવાજને પણ દાબવામાં આવે છે.
કોંગ્રેસ નેતાએ અહીં અર્થ વ્યવસ્થા મુદ્દે પર મોદી સરકારને આડેહાથ લીધી હતી. રાહુલે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશને જવાબ આપવો જોઈએ. તેમણે અર્થ વ્યવસ્થાને મંદી કરી નાંખી છે. રાહુલે જણાવ્યું કે, ભારતની સૌથી મોટી શક્તિ તેની અર્થ વ્યવસ્થા હતી. જો કે આજે તેને નષ્ટ કરી દેવામાં આવી છે. દેશમાં બેરોજગારી વધી ગઈ છે. GDPમાં કોઈ ગતિ જોવા નથી મળી રહી. સરકારે જવાબ આપવો જોઈએ કે, શું દેશમાં માત્ર ૧૫-૨૦ લોકો જ રહી રહ્યા છે, અન્ય નાગરિકોનું શું થશે?
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી એક દિવસના પ્રવાસે પોતાના સંસદીય વિસ્તારમાં છે. અહીં તેમણે એવા યુવાનો સાથે મુલાકાત કરી, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-૭૬૬ પર લાગેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. કેરળને કર્ણાટક સાથે જોડનારા આ હાઈવે પર રાતના પ્રવાસ પર પ્રતિબંધ છે.