Charotar Sandesh
આર્ટિકલ ચરોતર સ્થાનિક સમાચાર

હિન્દ છોડો-૧૯૪૨ની ક્રાંતિમાં શહિદ થયેલા અડાસ પંથકના પાંચ શહીદોની વીરગાથા યુવાનો માટે પ્રેરણાદાયક

અડાસ પંથકના પાંચ શહીદો

શ્રધ્ધાંજલી શહીદોને આપતાં નયન છલકાય છે,
અડાસનો એ લોહિયાળ જંગ કાને અથડાય છે,
શુરવીરો સામે લડાવામાં ક્યાં હિંમત હતી ગોરાઓમાં,
રેલવેસ્ટશનના સ્પીકરમાં એ અવાજ આજેય પડઘાય છે,

હજારો માતાઓએ ગુમાવ્યા છે પોતાના લાડકાઓને,
લાખો નવવધૂઓનાં માથામાં જાણે સિંદુર ખરડાય છે,
વંદન છે એ વીર એ સપૂતોને જેણે હિંદમાં જન્મ લીધો,
નાપાક અને નામર્દો શૂરવીરના શૌર્યથી આજે પણ ગભરાય છે

આઝાદીની લડતમાં અડાસ ગામમા રચાયેલો એ લોહિયાળ જંગ અને ૧૯૪૨ની લોકક્રાંતિમાં આઝાદીની વેદી ઉપર યુવાનોએ આપેલું બલિદાન કદી પણ ભુલી શકાશે નહિં

આઝાદીના ૭૫ વર્ષે જયારે અમૃતમહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશભરમાં હર્ષ અને ખુશીનો માહોલ છે. ભારતની આઝાદીમાં પોતાની જાતને કુરબાન કરીને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર અનેક વીરો વીરગતિ પામ્યા છે ત્યારે તેમને પણ ભાવભીની શ્રદ્દધાજલી આપવી જોઈએ. ભારતની આઝાદીની ગાથા સાથે ચરોતરનો નીકટતાનો નાતો જોડાયેલા છે.

મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રા, હિન્દ છોડો ચળવળ સહિતના દેશદાઝભર્યા આંદોલનોમાં ચરોતરના અનેક સપૂતોએ પોતાના પ્રાણની આહૂતિ અર્પી હતી. જેમાં ચરોતરના પાંચ યુવાઓએ મહાત્મા ગાંધીજીના હિન્દ છોડો આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને અંગ્રેજોની ગોળીથી વિંધાઇને શહીદી વ્હોરી હતી. ૧૯૪૨ ની આઠમી ઓગષ્ટે ભારતીય કોંગ્રેસની મહાસમીતીની મુંબઈ બેઠકમાં ગાંધીજીએ યાદગાર પ્રવચન આપ્યું. અંગ્રેજ સરકારને આખરીનામું આપી ‘હિન્દ છોડો’ નો આદેશ આપ્યો અને ભારતની જનતાને ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપ્યો.

૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલવે સ્ટેશન પર માતૃભૂમિ માટે શહિદ થનાર યુવાનોનું સાહસ, શૌર્ય આજે પણ અડાસની ભૂમિમાં એક વાઈબ્રેશન આપે છે

• આ છે અડાસના વીર શહીદો…
(૧) શ્રી રતિલાલ ગોરધનભાઈ પટેલ, ભાદરણ ઉ.વ. ૨૩ વર્ષ
(૨) શ્રી રમણલાલ પુરુષોત્તમદાસ પટેલ, ધર્મજ ઉ.વ. ૨૦ વર્ષ
(૩) શ્રી મોહનલાલ મગનલાલ પટેલ, દહેગામ ઉ.વ. ૨૦ વર્ષ
(૪) શ્રી તુલસીદાસ સાંકળચંદ મોદી, બાલાસિનોર, ઉ.વ.૨૧ વર્ષ
(૫) શ્રી મણીલાલ પુરુષોત્તમદાસ, ચાણસ્મા ઉ.વ. ૨૦ વર્ષ

૧૯૪૨માં અંગ્રેજોના જુલમી શાસન સામે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ‘અંગ્રેજો હિન્દ છોડો’ નારા તળેના આંદોલનમાં દેશના હજારો યુવાનો ધર્મ-જાતિનો ભેદભાવ ભૂલીને અંગ્રેજોને હાંકી કાઢવા કટબિધ્ધ બન્યાં હતાં. જેમાં ચરોતરના અડાસ, રાસ, બોરસદ જેવા ગામોનું યોગદાન અદકેરૂ હતું. આ સમયે ૧૮મી ઓગસ્ટ, ૧૯૪૨ના દિને વડોદરાના કળાભવનથી ચરોતરના પાંચ નવલોહિયા યુવાનો પણ ગાંધી – સરદારના ‘કરેંગે યા મરેંગે’નારાને બુલંદ કરવા નીકળ્યાં હતાં. ત્યારે કેટલાક લોકોએ તેમને ચેતવ્યાં પણ હતાં, પરંતુ તેઓ ભારત માતાની આઝાદી માટે માથે કફન બાંધીને રવાના થયાં હતાં.

તેઓ અમદાવાદ – વડોદરા રેલવે લાઇન પરના અડાસ રોડ રેલવે સ્ટેશન પાસે આવીને અહિઁસા ધ્વજ ફરકાવવા જઈ રહ્યા હતા. આ સમયે ગુર્જર ધરાના પાંચેય સપૂતોને અંગ્રેજ પોલીસે ગોળીએ વીંધી દીધાં હતાં. જેમાંથી ત્રણ સ્થળ પર જ અને અન્ય બે નવલોહિયા આણંદ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ શહીદ થયાં હતાં.

અંગ્રેજ સરકારે દમનનો દોર છુટો મુક્યો, ગાંધીજી અને તમામ નેતાઓની ધરપકડ કરી, કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરી અને વર્તમાનપત્રો ઉપર બંધનો ના નાખ્યા. પરંતુ ક્રાંતિની ચિનગારીએ મહાનલનું સ્વરૂપ ધારણ કર્યું અને દેશભરમાં ક્રાંતિની જ્વાલા પ્રસરી ગઈ. અંગ્રેજ સરકારે લોકો ઉપર પારાવાર સીતમ ગુજાર્યો-પાશવતા આચરી. દેશના અસંખ્યા નવયુવાનોએ હસતે મોઢે ગોળીઓ ઝીલી. ૧૯૪૨ ની લોકક્રાંતિમાં આઝાદીની વેદી ઉપર યુવાનોએ આપેલું બલિદાન કદી પણ ભુલી શકાશે નહિ.

ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા અડાસ ગામે પણ ૧૮મી ઓગષ્ટ ૧૯૪૨ ના રોજ શહાદતનો ઈતિહાસ સર્જ્યો

તે દિવસે વડોદરાની કોલેજો-શાળાઓમાં ભણતા ૩૪ થનગનતા નવયુવાનો, ‘કરેંગે યા મરેંગે-અંગ્રેજો ચાલ્યા જાવ’નો ગાંધીજીનો સંદેશો ગામડે ગામડે પહોંચાડવા, વડોદરાથી કુચ કરતાં બાજવા ગયા અને ત્યાંથી ગાડીમાં બેસી નાવલી ગયા. નાવલીથી તેઓ ચાલતા વડોદ ગયા. ત્યાં તેઓ પોલીસની નજરે ચડ્યા અને સુત્રોચ્ચાર કરતા અને પત્રિકાઓ વહેંચતા તેઓ સૌ ત્યાંથી ગોપાલપુરા અને જહાંગીરપુરા થઈ આણંદની ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રિકલ્ચરમાં પહોંચ્યા. કેટલાક યુવાનો આણંદ શહેરમાં પણ ગયા. આમ બધે ક્રાંતિનો સંદેશો ફેલાવતા બપોર બાદ તેઓ આણંદથી પાછા વડોદ આવી પહોંચ્યા. વડોદની ભાગોળે એક ખેડૂત ભાઈએ તેમને સમાચાર આપ્યા કે કેટલીક લાઠીધારી અને બંદૂકધારી પોલીસ તેમની તપાસમાં છે, અને તમારી પુછપરછ કરતા હતા માટે નાવલી ન જશો.

ખેડૂતભાઈએ આ કુમળા જુવાનોને જોઈ દયાથી પ્રેરાઈ ગત પોતાને ત્યાં રોકાઈ જવા કહ્યું પરંતુ યુવાનોને તો દિવસે પાછા વડોદરા પહોંચવું જ હતું. એટલે તેઓ સૌ નાવલી ન જતાં ત્યારપછીના સ્ટેશન તરફ ઉપડ્યા. તેઓ સૌ અડાસથી વડોદરા જવા ગાડી પકડવા ઈચ્છતા હતા પરંતુ સ્ટેશન થોડું દૂર રહ્યું ત્યાં ગાડી સ્ટેશન ઉપર આવી ગઈ હતી. તેમની પાછળ પડેલા પોલીસોએ ગાડીમાંથી યુવાનોને જોયા કે તરત તેઓ ગાડીમાંથી પાટા ઉપર કૂદી પડ્યા અને રેલવે લાઈનની તારની વાડ ઓળંગી આ ૩૪ નવયુવાનોને ખેતરમાં આંતર્યા લાઠીઓ અને બંદૂકો તાકત તાકતાં બધા નવયુવાનો નીચે બેસી ગયા. પછી ? પછી તો કોઈપણ જાતની પુછપરછ કે ચેતવણી વગર આડેધડ લાઠીમાર અને ગોળીમાર. દૂધમલ જવાનોને નિર્દય પોલીસોની ગોળીઓએ વીંધી નાખ્યા, લાઠીઓ મારી બંદૂકોના કુદા માર્યા, બીભત્સ ગાળો દીધી અને મધરાત સુધી અંધારામાં ત્યાં જ પડ્યા રહેવા દીધા.

ત્રણ યુવાનો શ્રી રતિલાલ ગોરધનભાઈ પટેલ, શ્રી રમણલાલ પુરુસોત્તમદાસ પટેલ અને શ્રી મોહનલાલ મગનલાલ પટેલ ઘટનાસ્થળે જ શહીદીને વર્યા. ગોળીબારની આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ, પણ સ્ટેશન ઉપરથી કે ગામમાંથી કોઈપણ માણસને પોલીસોએ તેમની નજીક આવવા દીધા નહીં. પાણી… પાણી.. કરતાં ઘાયલ યુવાનોને પાણી મળ્યું નહિ, લોહી નીકળતાં કોઈના લાડકવાયાને કંઈ સારવાર મળી નહિ.

છેક મધરાતે તેમને સૌને એક માલગાડીમાં ચડાવ્યા અને આણંદ લાવ્યા. ત્યાં પણ તેમને તાત્કાલીક સારવાર, ખોરાક કંઈ મળ્યું નહિ. પોલીસોએ માનવતા નેવે મૂકી દીધી હતી. આણંદમાં બીજા દિવસે શ્રી તુલસીદાસ સાંકળચંદ મોદી અને ત્યારબાદ શ્રી મણીલાલ પુરૂસોત્તમદાસ શહીદ થયા.

જલિયાવાલા બાગની નાની આવૃત્તિ સમી આ છે અડાસના શહીદોની અમરગાથા. આજે પણ અડાસ રેલવે સ્ટેશનને અડીને ઉભેલી તેમની ખાંભી યુવાનોને પ્રેરણાનાં પીયૂષ પાઈ રહી છે.

આર્ટિકલ : પિન્કેશ પટેલ
‘કર્મશીલ ગુજરાત’ સમાજ ચિંતક, યુવા રાજનીતિજ્ઞ

Other News : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા વેબસાઈટ પર અધધ કરોડ લોકોએ સેલ્ફી અપલોડ કરી

Related posts

શિવરાત્રિથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ર નો વધારો કરાયો

Charotar Sandesh

આણંદના દિનદયાલ ખાદી ગ્રામઉદ્યોગના પ્રમુખે ૪ કરોડથી વધુની ઠગાઈ કરતાં ફરિયાદ નોંધાઈ

Charotar Sandesh

નડિયાદ : કારે ટક્કર મારતા બાઇકસવાર એએસઆઈનું મોત નીપજ્યું…

Charotar Sandesh