ગુજરાતમાં ગત જાન્યુઆરી મહિનામાં લેવાયેલી TATની પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આચારસંહિતાના કારણે પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે આ પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ રાજ્યની પરીક્ષા બોર્ડની કચેરી પર પહોંચ્યા હતા અને ચૂંટણી પંચને પત્ર લખીને TATનું પરિણામ તાત્કાલિક જાહેર કરવામા આવે તેવી માગ કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે તેમને 9 તારીખ બાદ પરિણામ જાહેર કરવા અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 27 જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવામાં આવી હતી, એ પછી અમે ઘણીવાર પરિણામ અંગે પૂછ્યું ત્યારે એ લોકોએ આચારસંહિતાનું બહાનું કાઢ્યું. જ્યારે અચારસંહિતાની વાત અમે કાલે ત્યાં જઈને કરી ત્યારે એ લોકો એવું કહે છે કે, જો તમે ત્યાંથી આજે અમને લેટરપેડમાં લખીને મોકલી આપો તો અમે આજે ને આજે રિઝલ્ટની મંજૂરી આપવા તૈયાર છીએ. અમે હાલ સરને મળ્યા તો સર એવું કહે છે કે, અમે દર વખતે આ રીતે પત્ર ન મોકલી શકીએ અને જાતે પત્ર ન મોકલી શકીએ અમારે વિભાગ થ્રુ પત્ર મોકલવો પડે.
પરીક્ષા બોર્ડના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, અમે લોકો ચૂંટણી આયોગમાં ગયા હતા. તેમને અમે કહ્યું કે, તમે ફરી ફાઈલ મુકો, હું મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કરવા માગું છું કે, પ્રવર્તમાન અમારી DNA, DPSC અને અન્ય પરીક્ષા ચાલી રહી છે. તંત્ર હાલમાં વ્યસ્ત છે. 9 તારીખ પછી અમારી પરીક્ષા પૂર્ણ થયા પછી એ વિદ્યાર્થીઓની જે માગણી છે તે મુજબ વિભાગમાં ફરી આ રિઝલ્ટ જાહેર કરી શકાય કે, નહીં તે અંગેનું માર્ગદર્શન માગીશું.