કાબુલ : તાલિબાને પાકિસ્તાન સાથેની તેમની નિકટતાને કબૂલ કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સંગઠન (તાલિબાન) માટે એ બીજા ઘર જેવું છે.
ઝબીઉલ્લાહે એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે તેની સરહદ જોડાયેલી છે અને બંને દેશોના લોકો ધાર્મિક આધાર પર પણ એકબીજા સાથે હળી-મળી ગયા છે. તેથી જ અમે પાકિસ્તાન સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માગીએ છીએ. ઝબીઉલ્લાહે ભારત સાથે સારા સંબંધોની વાત પણ કરી છે.
તેમણે કહ્યું હતું કે અમારી એક જ ઈચ્છા છે કે ભારતે અફઘાનનાં હિતો અનુસાર પોતાની નીતિઓ નક્કી કરવી જોઈએ.
તાલિબાન પ્રવક્તાએ ભારતને કાશ્મીર પર સકારાત્મક વલણ અપનાવવાની સલાહ પણ આપી હતી. બંને દેશોનાં હિતો એકબીજા સાથે સંબંધિત છે, તેથી દરેક વિવાદાસ્પદ મુદ્દાને સાથે બેસીને ઉકેલવા જોઈએ. અફઘાનિસ્તાનમાં પંજશીર સિવાય તમામ વિસ્તારો તાલિબાનના કબજામાં છે. પંજશીરમાં અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના નેતૃત્વમાં નોર્થર્ન અલાયન્સના લડવૈયાઓ તાલિબાન સામે યુદ્ધ લડી રહ્યા છે.
આ દરમિયાન અહેવાલ છે કે પરવાન પ્રાંતની રાજધાની ચારીકારમાં તાલિબાન અને પંજશીરના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઈ છે
આ દરમિયાન બંને પક્ષો એકબીજા પર હુમલો ન કરવા સંમત થયા છે. બે ફિયાદીન હુમલા-ત્રણ બોમ્બ-બ્લાસ્ટથી ધ્રૂજી ગયેલા કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની (ABC) મુજબ એરપોર્ટના નોર્થ ગેટ પર કાર બોમ્બ-બ્લાસ્ટ થવાનું જોખમ છે. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે.
Other News : વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમ પર : માસ પ્રમોશન નબળું નીકળ્યું