ન્યૂયોર્ક : કિલર કોરોના વાયરસના કહેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઇ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો બાદ પણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૩ લાખના આંકડાને પાર કરી ગયો છે. ભારત સહિત દુનિયાના ૧૮૮ દેશ હવે આ મહામારીથી ઝઝૂમી રહ્યા છે અને ૧૩૦૦૦થી વધુ લોકોના મોત થઇ ગયા છે. કોરોના પ્રભાવિત દેશોના મામલામાં સુપરપાવર અમેરિકા ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.
સામાન્ય હોય કે ખાસ કોરોના વાયરસ કોઇને છોડી રહ્યું નથી. કોરોનાનો ખોફ એટલો વધી ગયો છે કે હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ અને તેમના પત્ની કેરેન પેંસનો કોવિડ-૧૯ રિપોર્ટ કરાયો. તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિની ટીમનો એક સભ્ય કોરોનાથી સંક્રમિત થયો છે. જો કે સંક્રમિત વ્યક્તિનો પેંસ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઇ સીધો સંપર્ક થયો નથી.
આની પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કોરોના વાયરસની તપાસ કરાવી હતી અને તેઓ સંક્રમિત જોવા મળ્યા નહોતા. કોરોનાને ધ્યાનમાં રાખતા વ્હાઇટ હાઉસે પરિસરમાં પ્રવેશ કરનારાઓ માટે સખ્ત નિયમ બનાવ્યા છે. સ્થિતિ એ છે કે અમેરિકા કોરોનાનો ત્રીજો સૌથી મોટો ગઢ બની ગયો છે. અહીં કોરોના વાયરસથી ૨૬૭૧૧ લોકો સંક્રમિત છે. એટલું જ નહીં ન્યૂયોર્ક શહેર હવે અમેરિકાનું ‘વુહાન’ બનવા જઇ રહ્યું છે. અહીં ૮૩૭૭ લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.
ન્યૂયોર્ક શહેરની જેલોમાં કમ સે કમ ૩૮ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ તમામની તપાસની મંજૂરી આપી જેનો રિપોર્ટ ૪૫ મિનિટમાં જ મળી શકે છે.
આ બધાની વચ્ચે બ્રિટને અંદાજે ૧૫ લાખ લોકોને કોરોના વાયરસની મહામારીની દ્રષ્ટિથી વધુ સંવેદનશીલ થયાની ઓળખ થઇ છે અને તેમને કમ સે કમ ૧૨ સપ્તાહ માટે ઘરોમાં રહેવાનું કહ્યું છે. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ હાડકા કે બ્લડ કેન્સરના દર્દી, ફેફસાં અને પાચન તંત્રને નુકસાન પહોંચાડનાર સિસ્ટિક ફાઇબ્રોસિસના દર્દીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.
બ્રિટનના સામુદાયિક મંત્રી રોબર્ટ જેનરિકે એક નિવેદનમાં કહ્યું કે લોકોએ ઘરોમાં જ રહેવું જોઇએ. બ્રિટનમાં કોરોના વાયરસથી ૧૭૭ લોકોના મોત થઇ ચૂકયા છે. ચિલીમાં ૮૩ વર્ષના મહિલાનું કોરોના વાયરસથી મોત થયું છે. આ દેશમાં મોતનો પહેલો કેસ છે. ચિલીના સ્વાસ્થ્ય મંત્રી જૈમ મનાલિચે કહ્યું કે છેલ્લાં ૨૪ કલાકમાં સંક્રમણના ૧૦૩ નવા કેસ સમે આવ્યા છે જેથી કરીને સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૫૦૦ પર પહોંચી ગઇ છે. સરકારે લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આવી છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે પોતાના નાગરિકોને રવિવારના રોજ દેશની અંદર કોઇપણ પ્રવાસ ના કરવાની સલાહ આપી છે. બિનજરૂરી મુસાફરી ના કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ વાત ત્યારે કહી જ્યારે દેશણાં કોરોના વાયરસના કેસ ૧૦૦૦ સુધી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે હજુ કડક પગલાં ઉઠાવાશે.
ઇટલીમાં પણ કોરોના પ્રભાવિત લોકોની સંખ્યા ૫૩૫૭૮એ પહોંચી ગઇ છે. અહીં સંક્રમણના ૬૫૫૭ કેસ સામે આવ્યા છે. ઇટલીમાં અત્યાર સુધીમાં ૪૮૨૫ લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે જે દુનિયામાં સૌથી વધુ છે. કોરોનાથી સંક્રમિત લોકોની યાદીમાં ચીન પહેલાં પહેલાં નંબર પર છે જ્યાં ૮૧૦૫૪ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે.
રવાંડામાં શનિવારના રોજ કોરોના વાયરસના ૧૭ કેસ નોંધાયા છે જે પૂર્વ આફ્રિકન ક્ષેત્રમાં સૌથી વધુ સંખ્યા છે. ત્યાં બોલિવિયાના ઉચ્ચ ચૂંટણી અધિકરણે શનિવારના રોજ જાહેરાત કરી કે તેઓ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના લીધે મે માં યોજાનાર સામાન્ય ચૂંટણી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી રહ્યા છે. બોલિવિયામાં કોરોના વાયરસના ૧૯ કેસ સામે આવ્યા છે.