મુંબઈ : બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે ૯૮ વર્ષની ઉંમરમાં મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના નિધનથી તેમના ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો છે.
અમિતાભ બચ્ચને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, ’એક સંસ્થા જતી રહી. જ્યારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હંમેશાં કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. તેમની આત્માને શાંતિ મળે એ માટે હું દુઆ કરું છું. પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના મળે. ઘણું જ દુઃખ થયું…’
સલમાન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, ઇન્ડિયન સિનેમાના અત્યાર સુધીના તથા ભવિષ્યના બેસ્ટ એક્ટર. દિલીપસાબની આત્માને શાંતિ મળે. અજય દેવગને કહ્યું, મેં લિજેન્ડ સાથે અનેક ક્ષણો પસાર કરી છે. કેટલીક અંગત તો કેટલીક સ્ટેજ પર. તેઓ એક સંસ્થા હતા. એક શાનદાર એક્ટર હતા. અક્ષય કુમારે કહ્યું હતું, અમારા એક્ટર માટે તેઓ અસલી હીરો હતા. દિલીપ સાહેબ પોતાની સાથે ભારતીય સિનેમાનો એક યુગ પોતાની સાથે લઈ ગયા.
લતા મંગેશકરે સો.મીડિયામાં કહ્યું, યુસુફભાઈ આજે પોતાની નાની બહેનને છોડીને જતા રહ્યાં. યુસુફભાઈ શું ગયા…એક યુગનો અંત આવી ગયો. મને કંઈ જ ખબર પડતી નથી. હું ઘણી જ દુઃખી છું. નિઃશબ્દ છું. અનેક વાતો, અનેક યાદો આપીને જતા રહ્યા. યુસુફભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી બીમાર હતા. કોઈને ઓળખી શકતા નહોતા. આ સમયે સાયરાભાભીએ બધું જ છોડીને દિવસ રાત તેમની સેવા કરી છે. તેમના માટે બીજું કંઈ હતું જ નહીં. આવી મહિલાને હું પ્રણામ કરું છું અને યુસુફ ભાઈની શાંતિ માટે દુઆ કરું છું.
શાહિદ કપૂરે કહ્યું, અમે કંઈ નથી પરંતુ દિલીપ સાબના જ વર્ઝન છીએ. દરેક એક્ટરે દિલીપકુમારનો અભ્યાસ કર્યો જ છે. અમને નવાઈ લાગે છે કે તે કેવી રીતે આટલું બધું કરી લેતા. તમે પર્ફેક્ટની એકદમ નજીક હતા. તમે તમારા આધ્યાત્મિક ઘરમાં પરત ફર્યા છો. તમારી સાથે અનેકની પ્રાર્થના છે. અમને આ બધું આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે હંમેશાં જીવિત રહેશો સર. તમે ટાઇમલેસ છો. તમારી આત્માને શાંતિ મળે.