લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી લડી રહેલા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અવેજમાં નેતા વિપક્ષની શોધ કોંગ્રેસે પરિણામો આવે તે પહેલા જ શરૂ કરી દીધી છે. 2017માં વિધાનસભાના નેતા વિપક્ષ બનેલા પરેશ ધાનાણીઆ લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક જીતી જશે તેઓ કોંગ્રેસનો પાક્કો વિશ્વાસ હોય તે દેખાઇ આવી રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હાલ મહારાષ્ટ્રની ચૂંટણીમાં વ્યસ્ત હતા, પરંતુ હવે ચૂંટણી પૂરી થઇ ગઇ છે અને તેઓ ફરી ગુજરાતની રાજનીતિમાં સક્રીય થશે. સૂત્રો અનુસાર, રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા બાદ એક પછી એક ધારાસભ્યો સાથે બેઠક કરશે અને નેતા વિપક્ષના પદ માટે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે અને 23 મે બાદ વિધાનસભા નેતા વિપક્ષ કોણ બનશે તેની જાહેરાત પણ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહેલા લાઠીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ 2017માં જીત મેળવીને નેતા વિપક્ષનું પદ હાંસલ કર્યું હતું. તેમના નેતૃત્વમાં કોંગ્રેસ વિધાનસભામાં મજબૂત પણ દેખાઇ રહી હતી, પરંતુ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પરેશ ધાનાણીને સાંસદ બનાવવાં માટે લોકસભા ચૂંટણી લડવાનો પડકાર આપ્યો હતો. તેમને આ પડકાર ઝીલ્યો છે અને કોંગ્રેસ જે સાત-આઠ બેઠકો પર જીતની આશા લગાવી બેઠું છે તેમાં અમરેલી લોકસભા બેઠક ટોચ પર છે એ જોતા આવનારા દિવસોમાં વિધાનસભામાં નેતા વિપક્ષની શોધ કોંગ્રેસે શરૂ કરી જ દીધી છે.