ગલવાન ઘાટીના બહાદુરોના બલિદાન નિરર્થક નહીં જાય : વાયુસેના વડા
હૈદરાબાદ : લદ્દાખમાં એલએસી પર હિંસક ઝડપને લઇ ભારતીય વાયુસેનાનાં અધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા આજે હૈદરાબાદ ખાતે સંયુક્ત સ્નાતક પરેડમાં સામેલ થયા છે. જ્યાં તેઓએ ચીન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાલમાં એલએસી પરની સ્થિતિનો શાંતિથી ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં કોઇ પણ આફત આવી પડે તો ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે વાયુસેના સક્ષમ અને તૈયાર છે.
લદ્દાખમાં એલએસી પર હિંસક ઝડપને લઇને ચીન સાથેનાં તણાવ વચ્ચે વાયુસેનાનાં પ્રમુખ એર ચીફ માર્શ આરકેએસ ભદોરિયા એકેડમી ફોર કમ્પાઇનડ ગ્રેજ્યુએશન પરેડ માટે હૈદરાબાદ પહોંચ્યાં. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલે પાસિંગ આઉટ પરેડ દરમ્યાન વાયુસેનાનાં જવાનોને સંબોધિત કર્યાં.
જવાનોને સંબોધત કરતા એર ચીફ માર્શલે જણાવ્યું કે, એટલું સ્પષ્ટ હોવું જોઇએ કે આપણે કોઇ પણ સમયે કોઇ પણ પરિસ્થિતિનો જવાબ આપવા માટે સારી રીતે તૈયાર અને તૈનાત છીએ. હું દેશને વિશ્વાસ અપાવું છે કે આપણે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દ્રઢ છીએ અને ગલવાન ઘાટીનાં બહાદુર જવાનોનું બલિદાન ક્યારેય વ્યર્થ નહીં જવા દઇએ.
મીડિયા બ્રીફિંગમાં વાયુસેનાનાં ચીફે કહ્યું કે, ચીન સાથે અમારું યુદ્ધ નથી ચાલી રહ્યું પરંતુ અમે તૈયાર છીએ. વાતચીત ચાલી રહી છે અને અમે સંપૂર્ણ તૈયાર છીએ. ચીને સૈનિકોની તૈનાતી વધારી છે અને અમે તેની પર સતત નજર રાખી રહ્યાં છીએ. જો જરૂરી હશે તો ઉડાન પણ ભરીશું.
સેના આ મામલે ખૂબ સારી સંભાળ રાખી રહી છે. અમે તૈનાતીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી રહ્યાં છીએ. અમને કોઈ શંકા નથી કે આપણે કોઈ પણ આકસ્મિકતાને સંભાળીશું. અમે પરિસ્થિતિથી વાકેફ છીએ અને અમે જરૂરી કાર્યવાહી કરી છે. લેહમાં વાયુસેના સંપૂર્ણ સજ્જ અને તૈનાત છે.
એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ પાસિંગ આઉટ પરેડના રિવ્યૂ મેળવ્યાં હતા. મેરિટ લિસ્ટમાં પહેલું સ્થાન મેળવનાર કૈન્ડેટને સ્વૉર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રપતિની પટ્ટીકાથી સન્માનિત કરાયા હતા.