પાટનગર દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ, તાપમાન સાત ડિગ્રી નોંધાયું…
ન્યુ દિલ્હી : ઉત્તર ભારતમાં પડી રહેલી હાડ કકડતી ઠંડીના કારણે સમગ્ર ભારતમાં ઠંડીનું જોર વધતું જઈ રહ્યું છે. અડધો ભારત દેશ ઠંડીની લપેટમાં આવી ગયો છે. પહાડી વિસ્તારોમાં એટલો બરફ પડ્યો છે કે તે અત્યાર સુધીનો બરફ પડવાનો રેકોર્ડ તોડી નાખશે એવું લાગી રહ્યું છે. મેદાની વિસ્તારોમાં પણ ધ્રુજાવી દેનારી ઠંડી પડી રહી છે. ધુમ્મસ અને કમોસમી વરસાદ નવી મુશ્કેલી લઈને આવી શકે છે.
દિલ્હી અને અને મુખ્ય શહેરોમાં આ ઋથુનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. તેમજ રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં અલગ-અલગ સ્થળો પર ધુમ્મસ છવાઈ ગયું છે. પાટનગર દિલ્હીમાં આ સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આજે દિલ્હીનું તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. ભીષણ ઠંડીને કારણે ગુરૂવાર અને શુક્રવારના રોજ ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં શાળાઓમાં રજા આપી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં બર્ફિલા પવનો અને કાતિલ ઠંડીમાંથી કોઈ રાહત મળી નથી. તાપમાનો પારો સડસડાટ નીચે ઉતરતા દેશની રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા ૨૨ વર્ષ પછી સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ હિમાલય તરફથી સૂસવાટા મારતા પવનોના લીધે અને સાથે આકાશમાં વાદળોનાં થરના લીધે સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળ્યો નથી જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો છે.