આણંદ : શહેર સહિત જિલ્લામાં વધી રહેલા સાઈબર ક્રાઈમના બનાવોને લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના સાઈબર ક્રાઈમ પોલીસ મથકને મંજુરી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જીલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજયાણની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્લાનું પ્રથમ સાઈબર ક્રાઈમ પોલીસ મથકે શરુ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવાઈ છે. શહેરમાં ટાઉન પોલીસ મથકની નજીક એમ.ટી. કેમ્પસમાં આ પોલીસ મથક શરુ કરવામાં આવશે અને જે માટે પોલીસ મથકના સ્ટાફની પસંદગી કરી તેની નિમણુંકો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખુબ જ ટુંક સમયમાં આ પોલીસ મથકને શરુ કરવામાં આવશે. જેથી જીલ્લામાં સાઈબર ક્રાઈમના બનાવોની ઝડપથી તપાસ શરુ કરી શકાશે અને સાઈબર ક્રાઈમના બનાવો પર નિયંત્રણ લાવી શકાશે.