આણંદ : રાજયમાં વધી રહેલ લવ જેહાદના કિસ્સાઓને ધ્યાનમાં લઇ આણંદ જિલ્લામાં હિન્દુ યુવા વાહિની દ્વારા આણંદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ યુવા વાહિની દ્વારા રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદને લઇ યોગ્ય કાયદો બનાવવામાં આવે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણેના રાજ્યમાં નવા કાયદા બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં આપવામાં આવેલા આવેદનપત્રમાં હિન્દુ યુવા વાહિની દ્વારા સરકારને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા લવ જેહાદની ગંભીરતાને સમજી યોગ્ય કાયદો ઘડી અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યમાં પણ આ પ્રકારની થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે. આ સાથે મોટી સંખ્યામાં એકત્ર થયેલ સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા આણંદ જિલ્લા કલેકટરને રૂબરૂ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, જિલ્લામાં આજ સુધી છેલ્લા બે વર્ષોમાં ૨૭૫ કરતાં વધુ લવ જેહાદની ઘટનાઓ બની ચુકી છે.
જેની નોંધ લઇ વહેલી તકે રાજ્યમાં લવ જેહાદને લગતા કાયદાને અન્ય રાજ્યોની જેમ લાગુ કરી આ પ્રકારના બનાવો પર અંકુશ લાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.