બેંગ્લુરુ : ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા પાંચ લાખને પાર થઈ ગઈ છે.તેની સામે સાજા થનારા દર્દીઓનો રેટ પણ વધી રહ્યો છે. આ પ્રકારના સંજોગો વચ્ચે કર્ણાટકમાં ૯૯ વર્ષના દાદીએ કોરોનાને હરાવીને બીજા દર્દીઓમાં પણ આશાનો સંચાર કર્યો છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવનારા દર્દીઓમાં તે સૌથી ઉંમર લાયક વ્યક્ત છે.
માર્સિલીન સલહાન્ડા નામના ૯૯ વર્ષના મહિલાને ૧૮ જુને તેમના ૯૯મા જન્મ દિવસે જ કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.નવ દિવસની સારવાર બાદ શુક્રવારે જ્યારે ફરી ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે નેગેટિવ રિઝલ્ટ આવ્યુ હતુ.આમ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
તેમની સારવાર કરનાર નર્સનુ કહેવુ છે કે, પહેલા તો માર્સિલિન સારવાર કરાવવા માટે રાજી નહોતા.એ પછી જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા ત્યારે ડોક્ટરો અને નર્સોના પ્રયાસ તથા તેમના હકારાત્મક વલણના કારણે તેઓ બહુ જલદી સાજા થયા હતા.