રામમંદીરનું બાંધકામ કોઇ શક્તિ રોકી નહીં શકે…
મેંગ્લુરુ : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં પાછા ફરતા કોઇ તાકાત રોકી નહીં શકે અને સીએએ કેન્દ્રીય કાયદો છે અને એનો અમલ કરવો જ પડશે. રાજનાથે એક રેલીને સંબોધતા પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે અમે કોઇને હેરાન નથી કરવાના, પણ જો કોઇ અમને હાનિ પહોંચાડશે તો અમે એમને શાંતિથી જીવવા નહીં દઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્ર્વના અનેક દેશો સાથે ભારતના સંબંધો સુધાર્યા છે, પણ આપણા પડોશી દેશ પડોશી ધર્મ નથી પાળતા.
૧૯૯૦ની સાલમાં કાશ્મીરમાં વધેલા ત્રાસવાદને લીધે સેંકડો કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું પડયું હતું અને એ સંદર્ભમાં રાજનાથે જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં પાછા ફરતા કોઇ તાકાત રોકી નહીં શકે.
અમે બંધારણને અનુસરીશું. ભાજપે જનતાને આપેલા વચનો પૂરા કર્યા છે પછી એ કાશ્મીર માટેની કલમ ૩૭૦ની નાબૂદી હોય કે રામમંદીરનું બાંધકામ હોય. રામમંદીરનું બાંધકામ કોઇ શક્તિ રોકી નહીં શકે.
સીએએ વિશે એમણે જણાવ્યું હતું કે એ કોઇની ધાર્મિક લાગણી દૂભવવા માટેનો કાયદો નથી, પણ સર્વધર્મ સમભાવમાં ન માનતા પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાન જેવા રાષ્ટ્રમાં ધર્મને લીધે હેરાન થયેલા લોકોને રાહત આપવા માટેનો કાયદો છે.
મહાત્મા ગાંધીએ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુને કહ્યું હતું કે જો હિંદુઓ અને શીખો જેવી પડોશના દેશની લઘુમતી કોમના સભ્યો ભારતમાં આવે તો એમને નાગરિકત્વ આપજો અને આ નવો કાયદો લાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીજીનું એ સપનું પૂર્ણ કરી રહ્યા છે.