ખરીદ-વેચાણની ટેવ કોંગ્રેસની છે, હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં…
વડોદરા : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે કરજણની મુલાકાતે છે. જ્યાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે? તેવા સવાલના જવાબમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી, તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહ વખતે પણ બધાને ખરીદ્યા, એટલે ખરીદ વેચાણની સ્થિતિ છે અને ટેવ છે, તે કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા પછી ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે.
પોતાના પદને જોખમમાં મૂકીને પણ લોકહિતના કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસ છોડીને આવ્યા છે. ધારાસભ્ય પદ છોડ્યુ છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે. સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કરજણ બેઠક પર જે રીતે કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. લોકો ઉત્સાહિત છે અને મતદારોમાં કરંટ છે. રાજ્ય સરકારે કરેલા કામો અને કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે લોકોને લાભ મળ્યો છે. આ બંને વચ્ચે સમન્વય કરીને અમે લોકો વચ્ચે જઇ રહ્યા છીએ. કોંગ્રેસમાં જે રીતે નારાજગી છે.
સિટીંગ ધારાસભ્યો પણ પાર્ટી છોડી રહ્યા છે, જે કોંગ્રેસમાં વધેલો અવિશ્વાસ બતાવે છે. તેમની કેન્દ્ર અને રાજ્યની નેતાગીરી નિર્બળ અને અસમંજસની સ્થિતિમાં છે. લડવાની એમની માનસિકતા હવે બચી નથી. પક્ષપલટુઓનો મુદ્દો ભાજપને નડશે ? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મુદ્દો એટલા માટે નહીં કે, તેઓ લોકહિત માટે ધારાસભ્ય પદ છોડ્યું છે. તે સાબિત કરે છે, તેઓ લોકોના હિત માટે જ કામ કરે છે. કોંગ્રેસમાં જે થતુ હતુ કે, ગદ્દારી હતી. આ ગદ્દારી નથી.