ન્યુ દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સાંસદ અહેમદ પટેલની તબિયત લથડતા દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ પહેલા કોરોના થયો હતો, તેવું રાજકીય સૂત્રોનું કહેવું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે કોરોનામાંથી બહાર આવી ગયા પછી તેમની તબિયતમાં થોડા કોમ્પ્લિકેશન થયા હતા. જેને કારણે તેમની તબિયત એકાએક લથડતા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે, જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવા પડયા છે. તેમની તબિયત લથડતા ગુજરાતમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગૌરવ પંડયા દિલ્હી દોડ્યા હતા. સાંસદ શકિતસિંહ ગોહિલ પણ હોસ્પિટલ દોડ્યા હતા.
એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં તેમને લમ્સ ઇન્ફેક્શન થયું હતું. હાલ દિલ્હીના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહી છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઠવાડિયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ખબર અંતર પૂછ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, હાલ એહમદ પટેલની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.
જ્યારે બીજી બાજુ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમનાં પત્નીને કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.