ગાંધીનગર : હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. મિઠાઈ વિના તહેવારો અધૂરા છે. મિઠાઈ અને મિઠાઈના બોક્સ પર ‘એક્સપાયરી ડેટ’ દર્શાવવી સૌના હિતમાં છે. દર વર્ષની જેમ ચોખ્ખા ઘી, માવા અને ડ્રાયફ્રુટની મિઠાઈની માંગ વધુ રહી છે. ગત વર્ષની સરખામણીએ માવા અને ચોખ્ખા ઘીની મિઠાઈમાં લગભગ ૭૦ ટકા ધંધો થયો હોવાનું જાણવા મળે છે. જોકે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળી કોર્પોરેટ ઓર્ડર ઓછા નોંધાયા છે. છેલ્લાં બે- ત્રણ દિવસથી મિઠાઈ- ફરસાણની દુકાનોમાં મિઠાઈની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મિઠાઈ અને ફરસાણના મોટાભાગના વેપારીઓની દુકાનો પર સરકારના નિયમ મુજબ ‘એક્સપાયરી ડેટ’ દર્શાવવામાં આવી હોવાનું જોવા મળે છે.
અમદાવાદ મિઠાઈ- ફરસાણ માવા અને દૂધ એસોસીએશનના પ્રમુખ કમલેશ કંદોઈએ જણાવ્યું હતું કે, માવાની મિઠાઈ ૨- ૩ દિવસ, ચોખ્ખા ઘીની મિઠાઈ ૭ દિવસ, કાજુ અને ડ્રાયફ્રુટની મિઠાઈ ૧૨-૧૫ દિવસ સુધી સારી રહે છે. મિઠાઈ અને મિઠાઈના બોક્સ પર ‘એક્સપાયરી ડેટ’ દર્શાવવી ગ્રાહકોના અને વેપારીઓના હિતમાં છે. છેલ્લાં બે- ત્રણ દિવસમાં કાજુ કતરી, કોજુ રોલ, અંજીર રોલ, સહિત માવા અને ડ્રાયફ્રુટની મિઠાઈની વ્યાપક માંગ રહી છે. દિવાળીના તહેવારોમાં મિઠાઈ ખાઈને અને ખવડાવીને સ્વાગત કરવાની અનોખી પરંપરા છે. છેલ્લાં કેટલાંક સમયથી દિવાળીના તહેવારોમાં ચોકલેટ અને ડ્રાયફ્રુટનો ‘ક્રેઝ’ જોવા મળે છે.
પરંતુ આખરે મિઠાઈ એ ‘મિઠાઈ’ છે. હિંદુઓના તહેવારો અને પર્વ મિઠાઈ વિના અધૂરા હોય છે. કોવિડ-૧૯ને કારણે મિઠાઈની માંગ ઓછી રહેવાની શક્યતા ખોટી ઠરી છે અને લોકોની ભારે ભીડને કારણે કેટલાંક મિઠાઈના ઉત્પાદકો- વેપારીઓને ત્યાં મિઠાઈ ખૂટી પડી હતી. કાજુમાંથી બનાવાતી કાજુ કતરી દિવાળીના તહેવાર ઉપરાંત ઓલટાઈમ ફેવરીટ કાજુ કતરી ૨૦થી ૨૫ ટકા સસ્તી હોવાનું જાણવા મળે છે. મિઠાઈના વેપારીઓ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૨૦થી ૨૫ ટકા ઓછા ભાવે કાજુ કતરી વેચી રહ્યા છે. ગત વર્ષે કાજુ કતરીનો કિલોગ્રામ દીઠ રૂ. ૧,૧૦૦ થી રૂ.૧,૩૦૦નો ભાવ હતો. જ્યારે ચાલુ વર્ષે કાજુતરીનો કિલોગ્રામ દીઠ ભાવ રૂ. ૯૦૦થી રૂ. ૧, ૦૦૦ છે. ચાલુ વર્ષે કાજુના ભાવ ઘટવાને પગલે ગ્રાહકોને કાજુ કતરીમાં ૨૦થી ૨૫ ટકાનું ડિસ્કાઉન્ટનો લાભ મળ્યો છે. દૂધમાંથની બનતી મિઠાઈના ભાવમાં પણ ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.