વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફના નિવેદનથી ખળભળાટ…
હું પહેલાથી વધું ઠીક, જલ્દી પાછો આવીશ : ટ્રંપ
USA : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાયરસનો ચેપ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી દુનિયાભરમાં તેમની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે કહ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ ચિંતાજનક’ તબક્કામાંથી પસાર થયા છે અને આગામી ૪૮ કલાક તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ટ્રમ્પની એક લશ્કરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં લઈ જતાં પહેલાં ટ્રમ્પને વ્હાઇટ હાઉસ ખાતે ઓક્સિજન આપવામાં આવ્યું હોવાના ઘટસ્ફોટ બાદ આ ટિપ્પણી કરવામાં આવી હતી. જોકે વ્હાઇટ હાઉસના સ્ટાફે જણાવ્યું હતું કે ટ્રમ્પમાં માત્ર નજીવા લક્ષણો જ જોવા મળ્યા હતા. અગાઉ ટ્રમ્પના ડૉકટરોએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ‘ખૂબ સારા મૂડમાં છે’ અને છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન તેમને તાવ આવ્યો નથી.
આ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે હોસ્પિટલમાંથી એક સંદેશ બહાર પાડીને કહ્યું કે તેઓ ખૂબ જ સારું મહેસૂસ કરી રહ્યા છે. આપણે બધી બાબતોને નોર્મલ કરવા માટે તનતોડ મહેનત કરવી પડશે. મારે ફરી પાછું આવવું પડશે કારણ કે આપણે અમેરિકાને ફરી એકવાર મહાન બનાવવાનું છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાનો ચેપ લાગતાં રિપબ્લિકન પાર્ટીની સમસ્યા વધી ગઇ છે. ચૂંટણી પ્રચાર અને પ્રેસિડેન્શિયલ ડિબેટના સંદર્ભમાં આ મહિનો મહત્વનો સાબિત થવાનો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉંમર, સ્થૂળતા, હાઇ કોલેસ્ટરોલનું સ્તર અને પુરુષ હોવાના કારણે ટ્રમ્પના કોરોના વાયરસનું ચેપ લાગવાનું જોખમ વધી રહ્યું છે. શુક્રવારે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટના એક દિવસ બાદ જ ટ્રમ્પે પોતે સંક્રમિત થયાની માહિતી ટ્વીટ કરી આપી હતી.
વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને રેમડેસિવીર દવા આપવામાં આવી રહી છે. કોરોના સંક્રમણની કોઈ સારવાર નથી, પરંતુ આ વાયરસને નબળો કરવા માટે જે દવાઓની સૌથી વધુ ચર્ચા રહી છે, તે પૈકી એક રેમડેસિવીર છે. અમેરિકાએ આ વર્ષે મે મહિનામાં રેમડેસિવિરને ગંભીર રીતે બીમાર કોરોના દર્દીઓને સારવાર માટે ઉપયોગની મંજૂરી આપી હતી. રેમડેસિવિર અમેરિકાની ફાર્મા કંપની ગિલિયડની એક એન્ટીવાયરલ દવા છે. આ દવાનો મોટો જથ્થો ખેપ અમેરિકાએ ભારત પાસેથી મંગાવી હતી.
- Nilesh Patel