બ્રિટનના મહારાણી સહીતનું શાહી કુટુંબ મહેલ છોડી ગુપ્ત સ્થળે ચાલ્યા ગયા : દ.આફ્રિકા કોરોનાની મહામારી જાહેર : અમેરિકાના ન્યુયોર્કમાં શાળા-કોલેજો બંધ…
હોટલ-રેસ્ટોરામાં ફકત ટેઈક હોમ ડિલીવરી : સ્થળ પર ભોજન કે શરાબ નહી મળે : ફ્રાંસમાં એક જ દિવસમાં સૌથી વધુ 29ના મોત : જર્મનીએ પાંચ દેશો સાથેની સરહદો સીલ કરી…
નવી દિલ્હી : ભારત સહિત વિશ્વભરમાં આતંક મચાવી રહેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધતો જાય છે અને વધુમાં વધુ દેશોમાં કોરોના ફેલાતા કુલ મૃત્યુઆંક 6526 થયો છે તો અમેરિકા અને સ્પેન બાદ દ.આફ્રિકાએ પણ કોરોનાને મહામારી જાહેર કરી છે તો બીજી તરફ બ્રિટનના મહારાણી કવીન એલીઝાબેથ કોરાનાના ભયને કારણે તેમનો શાહીમહેલ છોડી ગયા છે અને કોઈ સલામત સ્થળે સમગ્ર શાહી કુટુંબને ફેરવી લેવામાં આવ્યું છે.
દ.આફ્રીકામાં રાષ્ટ્રપતિ શીરીલ રામાફોસા દ્વારા કોરોનાને રાષ્ટ્રીય આપતિ જાહેર કરતા જણાવ્યું કે 61 લોકો કોરોનાનો શિકાર બન્યા છે અને દેશમાં કોરોના બીજા તબકકામાં પ્રવેશી ગયો છે તેથી વધુ સાવચેતી જરૂરી છે તો બીજી તરફ ન્યુયોર્કમાં કોરોનાના વધતા કહેરને કારણે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. શહેરના રેસ્ટોરા અને બાર પણ બંધ રહેશે અને ત્યાં કોઈ ચીજવસ્તુ સર્વ નહી થાય પરંતુ ઘરે લઈ જવા માટે તે મળી શકશે. ફ્રાંસમાં એક જ દિવસમાં 29 લોકોના મોત થયા છે જે કોઈ એક દિવસમાં આ દેશમાં સૌથી વધુ મોત ગણાય છે.
કોરોનાનો એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવી પણ ઘટના બની છે…
ઈટલીમાં મૃત્યુની સંખ્યા 2000 થી વધુ થઈ છે. એક જ દિવસમાં 368થી વધુ લોકોના મોત એ વિશ્વયુદ્ધમાં પણ કોઈ એક દિવસમાં આટલી ખુવારી થઈ ન હતી. બીજા વિશ્વયુદ્ધમાં ઈટલીમાં સરેરાશ રોજ 207 લોકો મરતા હતા. આમ કોરોના વિશ્વયુદ્ધ કરતા પણ વધુ દૈનિક ભોગ લેવા લાગ્યો છે. જર્મનીએ તેની પાંચ દેશોની સરહદ બંધ કરી છે.