ન્યુ દિલ્હી : જીવલેણ કોરોનાની બીજી લહેર ભારતને વધુ મજબૂતાઈથી પોતાના ભરડામાં લઈ રહી છે. દેશના આશરે ૧૫ જેટલા રાજ્યોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩,૮૨,૩૧૫ નવા કેસ સામે આવ્યા છે અને ૩,૩૮,૪૩૯ દર્દીઓ સાજા પણ થયા છે. સાથે જ ૩,૭૮૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩૪,૮૭,૨૨૯ થઈ ગઈ છે.
આ મહામારીના કારણે અત્યાર સુધીમાં ૨.૨૬ લાખથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧,૮૮૦ નવા કેસ સામે આવ્યા છે. ૬૫,૯૩૪ લોકો ડિસ્ચાર્જ થયા છે અને ૮૯૧ લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૬,૪૧,૯૧૦ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૭૪૨ લોકોના મોત થયા છે.
આ સાથે દેશમાં કોરોના વાયરસથી થતાં મૃત્યુની કુલ સંખ્યા ૨,૨૬,૧૮૮ પર પહોંચી ગઈ છે. જો આપણે દેશમાં કોરોનાના સક્રિય કેસની વાત કરીએ, તો હાલમાં દેશમાં કોરોનાના ૩૪,૮૭,૨૨૯ કેસ સક્રિય છે. દેશમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાન વહેલી તકે કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૧૬,૦૪,૯૪,૧૮૮ લોકોને રસી આપવામાં આવી છે. જો કે, દેશની મોટી વસ્તીને જોતાં, રસીકરણની સંખ્યા ખૂબ ઓછી છે.
તે જ સમયે દિવસે-દિવસે કોરોનાના વધતા જતા કેસોને લીધે હોસ્પિટલોમાં આરોગ્ય સિસ્ટમ ધરાશાયી થઈ છે. દેશની ઘણી હોસ્પિટલોમાં રસી, ઓક્સિજન અને વેન્ટિલેટરની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે જો બધુ બરાબર ચાલશે તો ભારતમાં ખૂબ જલ્દીથી કોરોના કેસોમાં ઘટાડો થશે.
કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૪,૬૩૧ નવા કેસ સામે આવ્યા છે, ૨૪૭૧૪ લોકો ડિસ્ચાર્જ થયા છે અને ૨૯૨ લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ કુલ એક્ટિવ કેસ ૪,૬૪,૩૬૩ થઈ ગયા છે અને કુલ ૧૬,૫૩૮ લોકો મૃત્યુ પામ્યા છે.
તે સિવાય યુપી, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, બંગાળ, પંજાબ, ઉત્તરાખંડ અને ઝારખંડની સ્થિતિ પણ ચિંતાજનક છે.