એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ પાણી મુદ્દે સરકાર પર પ્રહારો કર્યાં હતા. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારી સરકાર હતી, ત્યારે નર્મદાના પાણી માટે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, નર્મદાનું પાણી પ્રથમ ખેડૂતો, ત્યારબાદ ગુજરાતના લોકોને અને ત્યાર પછી ઉદ્યોગોને આપવામાં આવશે. પરંતુ ગુજરાતની વર્તમાન ભાજપ સરકારમાં ઉદ્યોગોને પ્રથમ પાણી આપવામાં આવી છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો અને પ્રજા પાણી વીના ટળવળી રહી છે. ગુજરાત સરકારની ગુજરાતના ખેડૂતો અને પ્રજાને પાણી આપવાની દાનત નથી. દરેક ક્ષેત્રમાં પોતાને નંબર-૧ ગણાવતી સરકાર હવે ગુજરાતમાં પાણી વેડફાટ માટે નંબર-૧ બની ગઇ છે. જેના કારણે ગુજરાતની પ્રજા પાણી વિના ટળવળી રહી છે.
વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, એનસીપી દ્વારા ગુજરાતના પાણીથી ટળવળતા ગામોની મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. મે આજે વાઘોડિયા તાલુકાના કાશીપુરા ગામની લીધી છે. અને પાણીની સમસ્યા અંગે લોકોને મળ્યો હતો. અને ગામનો પાણીનો પ્રશ્ન હલ કેવી રીતે થાય તે અંગે ગામ લોકો સાથે ચર્ચા કરી હતી. સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યાના એન.સી.પી. રિપોર્ટ ભેગા કરશે. ત્યારબાદ તા.૧૫ મેના રોજ રાજ્યપાલને રજૂઆત કરીશું.