અમદાવાદ : દેશમાં નાગકિતા કાયદાનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. ખાસ કરીને ગેરકાયદે રીતે ઘૂસી આવેલા બંગલાદેશીઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત એ એક એવુ રાજ્ય છે જયાં વર્ષોથી ગેરકાયદે રીતે બંગલાદેશી ઘૂસણખોરો ઘૂસીને વસતા રહ્યાં છે. જોકે સરકારે અગાઉ અનેક ખાસ ઝૂંબેશ ચલાવીને કેટલાક ઘૂસણખોરોને બંગલાદેશ પરત પણ ધકેલ્યાં છે, પરંતુ હજુ ગુજરાતમાં ૧૦ લાખથી વધુ બંગલાદેશી ઘૂષણખોરો હોવાનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં આવા ગેરકાયદે ઘૂસણખોરો સામે પોલીસ ખાસ ઝૂંબેશ ચલાવશે.
અમદાવાદમાં જે સ્થળે ત્રણ દિવસ પહેલા નાગરિકતા કાયદા સામે તોફાન થયું હતું એવા શાહઆલમ વિસ્તારની નજીક આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં મોટાપાયે બંદલાદેશી ઘૂસણખોરો વસી રહ્યાં છે એટલું નહીં અહીં આખે આખી વસાહતો પણ વર્ષોથી ઊભી થઇ ગઇ છે. આ ઉપરાંત રોજી રોટીની શોધમાં ઘૂસી આવેલા બંગલાદેશીઓ સુરત બાદ વાપી, અંકલેશ્ર્વર તેમ જ વડોદરા શહેર-જિલ્લામાં મોટા પ્રમાણમાં હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં બંગલાદેશી ઘૂષણખોરીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પાકિસ્તાનની બોર્ડર પર પહેરો જેટલો મજબૂત છે, તેટલી જ બેફિકરી બંગલાદેશી બોર્ડર પર છે. બંગલાદેશીઓ ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવેલી બસીરહાટ બોર્ડરથી પશ્રિ્ચમ બંગાળ થઈ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં આસાનીથી ઘૂષણખોરી કરી રહ્યા છે. ગેરકાયદે રહેનારા આ બંગલાદેશીઓનો રાજ્ય સરકાર કે પોલીસ તંત્ર પાસે પૂરતો ડેટા જ નથી જેનો તેઓ આબાદ ફાયદો ઊઠાવી રહ્યા હોવાનું પણ કહેવાય છે. ખાસ કરીનબંગલાદેશીઓ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારની આસપાસના અંતરિયાળ ગામોમાં સાચા નામ-સરનામા છૂપાવીને રહે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં લગભગ ૧૦ લાખથી વધુ બંગલાદેશી ઘૂષણખોરો હોવાના અંદાજને પગલે હવે પોલીસ આગામી દિવસોમાં આવી તમામ વસાહતોની યાદી તૈયાર કરીને તેમાં તપાસ શરૂ કરશે. દલાલો પાસપોર્ટ કે અન્ય કોઈ દસ્તાવેજ વગર ઘૂષણખોરોને બોર્ડર પાસ કરાવી આપે છે.