-
કેરળમાં ૮ જૂનનાં રોજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસ્યા બાદ ગતિ ધીમી પડી ગઇ હતી…
મુંબઈ,
કેરળમાં ૮ જૂનનાં રોજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા પછી તેની ગતિ ધીમી પડી ગઇ હતી પણ હવે આ ચોમાસું આગળ વધ્યું છે અને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. બીજી તરફ, કોલકાતામાં પણ ચોમાસું બેસી ગયું છે અને વરસાદની શરૂઆત થઇ છે.
આજની ઘડીએ કર્ણાટકનાં દરિયાકાંઠાનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે. કર્ણાટકાનાં અંદરનાં ભાગમાં પણ વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ કોંકણ, ગોવા. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળનાં કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે તેમ હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટ જણાવે છે. આ સિસ્ટમથી આગામી દિવસોમાં વરસાદ આવશે અને ૨-૩ દિવસમાં મુંબઇ, બેંગ્લુરુ અને હૈદરાબાદમાં પ્રવેશશે.
વરસાદ ઓછો એને મોડો આવે તો ખેડૂતોની ચિંતા વધે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં ૧૭ જૂનની સ્થિતિએ કુલ વાવેતર વિસ્તારની સરખાણીમાં માત્ર ૨.૪૪ ટકા વિસ્તારમાં જ વાવેતર થયું છે. ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, હાલની સ્થિતિએ રાજ્યમાં ૨૦૭,૨૪૦ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર ૮૪, ૭૬,૮૯૫ હેક્ટર છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં ખરીફ વાવેતરમાં ડાંગર, બાજરી, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડધ, મગફળી,તલ, દિવેલા. સોયાબીન, કપાસ, તમાકુ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે.