નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગણના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેણે અનેક સીમાચિહ્ન હાંસલ કર્યા છે, ઉપરાંત તે એક શાનદાર ખેલાડી પણ છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કોહલીને લઈ એક નિવેદન આપ્યું છે.
ઈએસપીએનક્રિકઈન્ફોના વીડિયો પોડકાસ્ટમાં અખ્તરે કહ્યું, અમે બંને પંજાબી છીએ અને એક જ પ્રકારનું વલણ છે. આ સ્થિતિમાં જો અમે બંને એક સાથે રમ્યા હોત તો તે મારો દોસ્ત હોત. કોહલીનું હૃદય વિશાળ છે અને તે મારાથી ઘણો જૂનિયર છે. હું તેની ઘણી ઈજ્જત કરું છું. જો તે મારા સમયમાં રમતો હોત તો અમારા બંને વચ્ચે ટક્કર જોવા મળત. મેદાન પર અમે કટ્ટર દુશ્મન હોત પરંતુ મેદાન બહાર સાચા મિત્ર.
કોહલીએ ૮૬ ટેસ્ટમાં ૭૨૪૦ રન બનાવ્યા છે. જેમાં ૨૭ સદી પણ સામેલ છે. ભારતીય કેપ્ટને ૨૪૮ વન ડેમાં ૧૧,૮૬૭ રન બનાવ્યા છે. જેમાં ૪૩ સદી સામેલ છે. જ્યારે ૮૨ ટી૨૦માં ૨૭૯૪ રન નોંધાવ્યા છે. શોએબ અખ્તરે ૪૬ ટેસ્ટમાં ૧૭૮ વિકેટ લીધી છે. જ્યારે ૧૬૩ વન ડેમાં ૨૪૭ વિકેટ ઝડપી છે. ૧૫ ટી૨૦ મેચમાં તેણે ૧૯ વિકેટ લીધી છે.