ઓબામા ૧૦.૮ કરોડ સાથે પ્રથમ નંબરે, ભારતમાં મોદી પછી કેજરીવાલ બીજા નંબરે…
ન્યુ દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્વટર ફોલોઅર્સની સંખ્યા સોમવારે ૫ કરોડ થઈ ગઈ છે. સૌથી વધારે ફોલોઅર્સના લિસ્ટમાં મોદી ૨૦માં નંબરે છે. તેઓ ટોપ-૨૦માં પહોંચનાર એક માત્ર ભારતીય છે. વિશ્વના મોટા નેતાઓમાં મોદી હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી માત્ર ૧.૪ કરોડ જ પાછળ છે. જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ૧૦.૮ કરોડ ફોલોઅર્સ સાથે પહેલાં નંબરે છે.
પીએમઓના ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા ૩ કરોડને પાર થઈ ગઈ છે. મોદીએ જાન્યુઆરી ૨૦૦૯માં ટિ્વટર જોઈન કર્યું હતું. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. મોદીની ટિ્વટર પર પ્રસિદ્ધિ ૨૦૧૪માં તેઓ વડાપ્રધાન બન્યા તે પછી વધી છે.
ભારતીય નેતાઓમાં મોદી પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા નંબરે આવે છે. તેમના ફોલઅર્સ ૧ કરોડ ૫૪ લાખથી વધારે છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ત્રીજા નંબરે છે. તેમના ફોલોઅર્સ ૧ કરોડ ૫૨ લાખ છે. ૧ કરોડ ૪૧ લાખ ફોલોઅર્સ સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ ચોથા નંબરે છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લિસ્ટમાં પાંચમાં નબંરે છે. રાહુલના ફોલોઅર્સની સંખ્યા ૧ કરોડ ૬ લાખ છે.