કેન્દ્રીય ગૃહમંત્રી અને ગૃહ સચિવે તમામ રાજ્યો સાથે મંત્રણા કરી
અમદાવાદ-મુંબઈ-દિલ્હી સહિત ૧૩ શહેરોમાં જ મોટાભાગના પ્રતિબંધો રહેશે, જારી થશે નવી ગાઇડલાઇન
નવી દિલ્હી : કોરોના મહામારીને રોકવા અમલમાં મૂકાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ૪.૦ની મુદત રવિવારે સમાપ્ત થઈ રહી હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન ૫.૦ની તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. .કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સંબંધમાં તમામ મુખ્યમંત્રીઓ સાથે ફોન ઉપર વાતચીત કરી છે અને ૩૧મી પછી લોકડાઉન વધારવા પર તેમના વિચારો જાણ્યા હતા. આ ઘટનાક્રમમાં ગઈકાલે કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાત કરી હતી.
સૂત્રોએ કહ્યું કે, જેમા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૧૩ શહેરોના કમિશ્નરો, કલેકટરો અને એસપીને સામેલ કરી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકડાઉન ૫.૦ દરમિયાન મુખ્ય ભાર હોટસ્પોટ પર રહેશે અને દેશના બાકી ભાગોમાં પહેલેથી વધુ છૂટછાટ અપાશે.
૩૧મી પછી મોટાભાગના રાજ્યો માત્ર કન્ટેન્મેન્ટ ઝોનમાં જ પ્રતિબંધો ઈચ્છે છે. જો કેન્દ્ર સરકાર મંજુરી આપે તો પછી રાજ્ય સરકારો પહેલા કરતા વધુ બજારો ખોલવા, એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ધાર્મિક સ્થળો ખોલવા જેવા નિર્ણયો લઈ શકે છે. અમુક રાજ્યો મહિનાની અંદર સ્કૂલો ફરીથી ખોલવા ઈચ્છે છે.
લોકડાઉનના ચોથા તબક્કામાં કેન્દ્રએ રાજ્યોને ઝોન અંગે નિર્ણય લેવા જણાવ્યુ હતું. અનેક રાજ્યોમાં દુકાનો ખુલી ગઈ છે. રેલ્વે અને વિમાન સેવા પણ શરતોને આધીન શરૂ થયા છે. કોરોનાના કેસની ઝડપથી વધતી સંખ્યા સરકાર માટે ચિંતાની બાબત છે, પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના ૭૦ ટકાથી વધુ કેસ ૧૩ શહેરો પુરતા સીમીત થઇ ગયા છે.
જેમાં મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, જોધપુર, ચેન્ગલપટ્ટુ અને તેરૂવલ્લુરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં જો કોરોના કેસને યોગ્ય રીતે પકડવામાં આવે તો તેને દેશના બાકીના ભાગમાં ફેલાતો અટકાવી શકાશે.
લોકડાઉન ૫.૦મા હોટસ્પોટવાળા વિસ્તારોમાં જ પ્રતિબંધો પર ભાર મુકાશે. જો કે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ ચાલુ રાખવુ પડશે. હોટસ્પોટ સિવાય બાકીના ભાગોમાં છૂટછાટો મળી જશે. ૧૩ શહેરો સિવાય બાકીના હિસ્સા માટે પણ કેબીનેટ સચિવે એલર્ટ રહેવાના નિર્દેશો આપ્યા. જેમાં યુપી, બિહાર, પ.બંગાળ અને ઓડિસા છે જ્યાં પ્રવાસી મજુરો પાછા ફરી રહ્યા છે. આ અંગે આવતીકાલે નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.
કેટલીક સેવાઓ ઉપર પ્રતિબંધ રહેશે બાકીનાને છૂટ આપી દેવામાં આવશે. સરકાર આ ૧૩ શહેરોમાં પુરેપુરી તાકાત લગાડી કોરોનાને નિયંત્રણમાં લેવા પ્રયાસ કરશે. લોકડાઉન-૫.૦ની ચાવી હવે આ ૧૩ શહેરો પાસે જ રહેશે. સમગ્ર ફોકસ એ ૧૩ શહેરોમાં લગાવાશે. શહેરોની અંદર જો વધુ ચેકીંગ થાય તો આવતા ૧૦ દિવસમાં સંક્રમણની સંખ્યા ૭૦ ટકા સુધી ઘટાડી શકાશે. ૧૩ શહેરો સિવાય બાકીના ભાગોમાં અમુક નિયંત્રણો રાખી કામકાજની છૂટછાટો આપી દેવાશે.