કપાસનો સારો ભાવ અને ઝડપી ખરીદી માટે ટેક્સટાઈલ મંત્રાલયને કરાઈ રજૂઆત…
દેશભરમાંથી ગયેલા ૯.૮૫ લાખ પરપ્રાંતિયો વતન ગયા તેમાંથી ગુજરાતે ૩.૯૫ લાખને પરત મોકલ્યા…
ગાંધીનગર : સીએમઓના સચિવ અશ્વિની કુમારે ગુજરાત સરકારના આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, કપાસનો સારો ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત કરી છે અને ઝડપથી કપાસની ખરીદી થાય એ માટે રજૂઆત કરાઈ છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સમક્ષ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાત એસએસસીનું હબ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એમ.એસ.એમ.ઈ કાર્યરત છે.
કરોડો લોકોને લોકોને રોજગારી પણ મળે છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેને ગુજરાતે આવકાર્યું છે. અને અપેક્ષા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગુજરાતનું એમ.એસ.એમ.ઈ સેક્ટર વધુ મજબૂત થશે. ગુજરાતના એમ.એસ.એમ.ઈ દ્વારા થયેલા ઉત્પાદન વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, દેશના અલગ-અલગ રાજ્યોમાં જાય છે. ઘણા એમ.એસ.એમ.ઈ થી વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે એમ.એસ.એમ.ઈ પેકેજનો મહત્તમ લાભ ગુજરાત લેશે.
પરપ્રાંતિયો માટે દોડાવાયેલી ટ્રેન વિશે માહિતી આપતા તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાંથી ગઇકાલ સુધીમાં ૩૦૨ ટ્રેન અન્ય રાજ્યોમાં ગઈ છે. ૩ લાખ ૯૫ હજાર મજૂરોને ગુજરાતમાંથી તેમના વતન મોકલી આપ્યા છે. સૌથી વધુ ટ્રેન ૨૦૪ યુપી જવા માટે રવાના કરવામાં આવી છે. ૩૪ ટ્રેન બિહાર જવા રવાના થઇ છે. આજે બીજી ૪૭ ટ્રેન રવાના થશે. જેમાંથી ૩૭ યુપી જશે.
પરપ્રાંતિયોના આંકડા વિશે તેઓએ કહ્યું કે, આજ રાત મધરાત સુધીમાં કુલ ગુજરાતમાંથી ૪ લાખ ૭૦ હજાર જેટલા મજૂરો તેમના વતનમાં જવા રવાના થઇ ગયા હશે. સમગ્ર દેશમાં જે ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડાવાઈ છે. સમગ્ર દેશમાંથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાવાળી સંખ્યા ૯ લાખ ૮૫ હજાર લોકોની થાય છે, જેમાંથી ગુજરાતમાંથી જ ૩ લાખ ૯૫ હજાર લોકો ગયા છે. પરપ્રાંતિયોને મોકલવામાં ગુજરાતનો ૪૦ ટકા ફાળો છે.