એક્ટિવ કેસોની સંખ્યા ૧૪.૧૦ લાખ થઈ…
બે મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા, રીકવરી રેટ ૯૩.૯૪ ટકા…
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. પરંતુ કોવિડ-૧૯થી થનારા મોતના આંકડામાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા એક લાખ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ૨૪૨૭ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ રવિવારે જાહેર થયેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં કોરોનાના ૧.૧૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૨૬૭૭ કોરોના દર્દીઓના મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૦૦,૬૩૬ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૮૯,૦૯,૯૭૫ પર પહોંચી છે. એક દિવસમાં ૧,૭૪,૩૯૯ દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે ૨,૭૧,૫૯,૧૮૦ થઈ છે. જો કે હજુ પણ ૧૪,૦૧,૬૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. ૨૪ કલાકમાં ૨૪૨૭ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૩,૪૯,૧૮૬ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૨૩,૨૭,૮૬,૪૮૨ ડોઝ અપાયા છે.
દેશમાં બે મહિના બાદ કોરોનાના આટલા ઓછા કેસ સામે આવ્યા છે. આ અગાઉ ૫ એપ્રિલના રોજ તેનાથી પણ ઓછા કેસ નોંધાયા હતા. તે વખતે દેશભરમાંથી કોરોનાના નવા ૯૬ હજાર ૯૮૨ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ રવિવારે ૧૫,૮૭,૫૮૯ કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ ૩૬,૬૩,૩૪,૧૧૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.
લોકડાઉન પછી હવે દેશના ઘણા રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા કોરોના વાયરસની રોકથામ માટે શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીકરણ કાર્યક્રમો જોરશોરથી ચલાવવામાં આવી રહ્યા છે. આ સાથે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે, જેથી વધુમાં વધુ લોકો રસી લગડાવે. આ સિવાય લોકોને કોરોના પ્રોટોકોલને અનુસરવાની અપીલ કરવામાં આવી રહી છે.