મુંબઇ : ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાનું માનવું છે કે મહેન્દ્રસિંહ ધોની ભારતનો ઓલટાઈમ બેસ્ટ કેપ્ટન છે. રૈના ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ધોની હેઠળ ચેન્નાઇ સુપરકિંગ્સ માટે રમે છે. તેણે સ્ટાર સ્પોટ્ર્સના ’ધ સુપર કિંગ્સ’ શોમાં કહ્યું કે, મને લાગે છે કે ધોની ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન છે અને તેણે ટીમમાં ઘણા પોઝિટિવ ફેરફાર કર્યા છે. હવે તેનો જ અનુભવ અમે સીએસકેના ડ્રેસિંગ રૂમમાં કરી રહ્યા છીએ.
૩૮ વર્ષીય ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે તે ૨૦૧૯ના વર્લ્ડ કપની સેમિફાઇનલ પછી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. રૈનાએ કહ્યું કે, અમે ખુશ છીએ કે હવે વધુ ફેન્સ મેચ જોવા આવી શકશે અને અમારો ઉત્સાહ વધારશે.
તેણે વધુ ઉમેરતા કહ્યું કે, આ વખતની સીઝનમાં અમારી પાસે ટીમમાં સારું ટેલેન્ટ છે. સ્પિનમાં પિયુષ ચાવલા અને સાઈ કિશોરના રૂપમાં સારા વિકલ્પ છે. જ્યારે સેમ કરન જેવો ઓલરાઉન્ડર અને જોસ હેઝલવુડ જેવો ફાસ્ટ બોલર પણ છે. ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે.