28મી નવેમ્બરે પોલીસની ઓળખ આપી સગીરાને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરાયું હતું…
વડોદરા/અમદાવાદ : નવલખી ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી.
શનિવારે બે શકમંદને અમદાવાદ ક્રાઈમની ટીમે ઉઠાવ્યા હતા…
અમદાવાદ ક્રાઈમની ટીમ શનિવારે બપોરે 2 દેવીપુજકને પૂછતાછ માટે લઈ ગઈ હતી. તપાસમાં એક દુષ્કર્મી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે તેનો સાગરિત બીજો હોવાની કેફિયત કરતા પોલીસ મોડી રાત્રે અઢી વાગે વડોદરા આવી તરસાલીમાંથી તેને ઉપાડી ગયા હતાં. બંનેએ સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એકની પાસેથી સગીરાના ફિયાન્સના મોપેડની ચાવી કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને રીક્ષામાં લાલબાગ પાસે આવી ત્યાંથી નવલખીમાં લૂંટના ઈરાદે ગયા હતાં. આ બંનેએ અગાઉ પણ આવા કૃત્યો કર્યા હોવાની શંકા સેવાઈ રહી છે.
- Ravi Patel, Vadodara