રાજકોટ : રાજકોટમાં જ્યુબેલી શાકમાર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રોફ જમાવતો જોવા મળ્યો હતો. આ સાથે જ પગથી લાત મારી શાકભાજી રસ્તા પર વેર વિખેર કરી નાખ્યું હતું. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
વીડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી હાથમાં લાકડી લઈને શાકભાજી વેચતા ગરીબ લોકો પર પોતાનો રોફ જમાવી રહ્યો છે. સાથે જ શાકભાજીના ઢગલાને લાત મારી શાકભાજીને રસ્તા પર ફેંકી દીધુ હતું. આ સાથે જ લાકડીને હાથમાં રાખી દાદાગીરી કરતો જોવા મળ્યો હતો.
રાજકીય મેળાવડા સામે પોલીસ મુકપ્રક્ષેક બનીને તમાશો જોવે છે અને મૌન બની જાય છે. જ્યારે વેપારીઓ અને શાકભાજી વેચતા ફેરિયા પર પોતાનો રોફ જમાવી રહ્યાં છે. રોજનું રોજ કમાયને ખાનારા શાકભાજીવાળાનું શાક રસ્તા પર ફેંકી દઈ પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યો હતો. જેને લઈને ફેરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો.