ભારતના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીની AIIMS ખાતે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.અરુણ જેટલીની છેલ્લાં ઘણાં દિવસથી તબિયત લથડતાં AIIMS હોસ્પિટલ દાખલ કરાયાં હતા.
અરૂણ જેટલીને દાખલ કરવામાં આવ્યા બાદ એક પછી એક નેતાઓ ખબર અંતર પહોંચ્યા હતાં. 9 ઓગસ્ટે પણ તેમની નાદુરસ્ત તબિયતના પગલે પ્રધાનમંત્રી મોદી સહિત ગૌતમ ગંભીર, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, જે.પી નડ્ડા, શરદ યાદવ, મિનાક્ષી લેખી, રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા જેવાં ટોચનાં નેતાઓ તેમની ખબર પૂછી આવ્યાં હતાં અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના પ્રવક્તા બની ગયાં હતાં.
અરૂણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યાર બાદ જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશ્યું કેંસર થઇ ગયું હતું જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા. ચાલુ વર્ષે મે મહિનામાં પણ જેટલીને સારવાર માટે દાખલ કરાયા હતા. વ્યવસાયે વકીલ એવા જેટલી મોદી સરકારના એક મહત્ત્વના હિસ્સો છે. મોદીની પ્રથમ સરકારમાં તેઓ નાણા મંત્રી હતા, પરંતુ તબીયત ખરાબ રહેતી હોવાના કારણે તેઓ આ વખતે લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી લડયા ન હતા અને મંત્રી મંડળમાં પણ રહ્યા ન હતા. છેલ્લા ઘણા સમયથી અરૂણ જેટલી અસ્વસ્થ હતાં અને આ જ કારણે બીજી વખત મોદી સરકારની કેબિનેટમાં રહેવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. અરૂણ જેટલીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને મંત્રીમંડળમાં સમાવિષ્ટ નહી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અરૂણ જેટલીએ ટ્વીટર પર પત્ર શેર કરતા લખ્યું હતું કે, છેલ્લા 18 મહિનાથી હું બિમાર છું. મારી તબિયત ખરાબ છે, એટલા માટે મારો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવામાં આવવો જોઇએ.