દેશમાં અત્યાર સુધી બેના મોત,કુલ ૮૯ કેસ પોઝિટિવ, હજુ કેસ વધવાની સંભાવના…
કોરોનાના કારણે મૃત્યુ પામનારના પરિવારને કેન્દ્ર સરકાર ૪-૪ લાખ રૂપિયાનું વળતર આપશે, મોટા ભાગના રાજ્યોમાં શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઇ…
ન્યુ દિલ્હી : અમેરિકાએ કોરોના વાયરસની ભયાનકતાને જોઇને રાષ્ટ્રીય કટોકટી જાહેર કર્યા બાદ ભારત સરકારે પણ આજે આ રોગને “રાષ્ટ્રીય મહામારી” તરીકે જાહેર કરતાં સમગ્ર દેશમાં હવે તેના સામના માટે વહીવટી તંત્ર ખાસ કરીને આરોગ્ય તંત્રને વધારે સજાગ કરી દેવામાં આવ્યું છે. અને મહામારી જાહેર કરતાં કોરોનાની બિમારીને ઇમરજન્સીનો દરજ્જો આપતાં કોરોનાને કારણે મરનારાઓના પરિવારજનોને સહાય પેટે ૪ લાખ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. દેશના ૧૩ રાજ્યોમાં હાલમાં ૯૧ કેસ પોઝીટીવ અને બે મોત થયા છે. સંખ્યાબંધ રાજ્યોએ લોકોને તેનાથી બચાવવા શાળાકોલેજો, સિનેમાગૃહો વગેરે. પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. તો વિશ્વમાં આ રોગથી મરનારાઓની સંખ્યા ૫ બજારથી ઉપર પહોંચી ગઇ છે. ૧૨ રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ કરી દેવામાં આવી છે, ૩ એપ્રિલ સુધી ચાલનાર સંસદનું બજેટ સત્ર ૧૮ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે કોરોના વાઈરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને દ્ગ-૯૫ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુની કેટેગરીમાં મૂકીને તેના કાળાબજાર કરનારાઓ સામે જેલની સજા સહિતના કડક પગલા ભરવાની જાહેરાત પણ કરી છે. બીજી તરફ આરોગ્ય નિષ્ણાતોના મતે કોરોના રોગચાળાની સ્થિતિને જોતાં બે મોત થતાં ભારત આ રોગના બીજા તબક્કામાં પહોંચી ગયું છે. અને તેને ત્રીજા તબક્કામાં જતાં રોકવા આગામી ૩૦ દિવસ ભારત માટે આ રોગને રોકવા માટે કટોકટીના સાબિત થશે. ત્રીજો તબક્કો એટલે ચીન-ઇટાલી જેવી ભયાનક પરિસ્થિતિનો તબક્કો જેમાં મોતની સંખ્યા સૌથી વધારે મનાય છે. તેથી ભારત સરકારે વધુ મોત અટકાવવા તેને રાષ્ટ્રીય આપત્તિ કે મહામારી જાહેર કરીને સૌ કોઇને તેનાથી બચવાની અપીલ પણ કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩ એપ્રિલ સુધી ચાલનાર સત્ર ૧૮ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. ત્રણ સાંસદોએ પીએમને પત્ર લખીને સત્ર સમાપ્ત કરવાની માંગણી કરી છે.
ભારતમાં કોરોનાના ૮૯ કેસ સામે આવ્યાં છે જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોનાથી ઈન્ફેક્ટેડ ૧૦ લોકો અત્યાર સુધી સાજા થઈ ગયા છે. તેમાં ઉત્તર પ્રદેશના ૫, કેરળના ૩, રાજસ્થાન અને દિલ્હીના ૧-૧ દર્દી સામેલ છે. સારવાર પછી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસના ૮૯ કેસમાંથી દિલ્હીમાં કોરોના વાયરસના ૬, હરિયાણામાં ૧૭, કેરળમાં ૨૨, રાજસ્થાનમાં ૩, તેલંગાણામાં એક, ઉત્તર પ્રદેશમાં ૧૧, લદ્દાખમાં ૩, તમિલનાડુમાં એક, જમ્મુ કાશ્મીરમાં ૨, પંજાબમાં એક, કર્ણાટકમાં ૭, આંધ્રપ્રદેશમાં એક કેસ અને મહારાષ્ટ્રમાં ૧૯ કેસ સામે આવ્યાં છે. ચીનના વુહાનથી શરુ થયેલા કોરોનાએ દુનિયાના ૧૨૭ દેશોમાં પગપેસારો કર્યો છે. ચીનમાં તો કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પરંતુ દુનિયાના અન્ય દેશોમાં મૃત્યુ દર વધી રહ્યો છે. ઈટલીમાં અત્યાર સુધી એક હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. કોરોનાથી દુનિયાભરમાં ૫૪૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
કોરોના વાયરસને કારણે દેશના ઘણા રાજ્યોમાં શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે. કોરોનાને દિલ્હીમાં મહામારી જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં સિનેમા હોલ અને મીટિંગ્સ પર પ્રતિબંધ છે. કર્ણાટકમાં પણ લગ્ન સમારોહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ શકતા નથી.
વૈશ્વિક ચિંતાનો વિષય બનેલા કોરોના વાયરસની નોંધ લઇને સુપ્રીમ કોર્ટે શુક્રવારે નક્કી કર્યું છે કે ૧૬ માર્ચથી માત્ર અર્જન્ટ કેસોની સુનાવણી કરાશે અને તેના કોર્ટરૂમ્સની અંદર વકીલો સિવાય કોઇ વ્યક્તિને પ્રવેશની મંજૂરી નહિ અપાય. ચીફ જસ્ટિસ એસ એ બોબડેના નિવાસસ્થળે મળેલી બેઠકોમાં આ મુદે વિચારણા થઇ હતી. સુપ્રીમ કોર્ટે વિશ્વ આરોગ્ય સંગઠનને વૈશ્વિક રોગચાળો જાહેર કરવાની હકીકતને ધ્યાનમાં લઇને જાહેર મેળાવડા સામે ચેતવણી આપતી પાંચમી માર્ચે જારી કરવામાં આવેલી એડવાઇઝરીની નોંધ લીધી હતી. સુપ્રીમના સેક્રેટરી જનરલ સંજીવ એસ કાલગાંવકરે જારી કરેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું કે તેની કામગીરી માત્ર અર્જન્ટ કેસોની સુનાવણી સુધી જ મર્યાદિત રાખવાની રહેશે.