કુલ મૃત્યુઆંક ૬૮૦ને પાર,૪૨૫૮ લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા…
ન્યુ દિલ્હી : દેશ અને વિશ્વમાં કોરોના વાઈરસનો પ્રકોપ યથાવત છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૧ હજારને પાર પહોંચી ચૂકી છે. દેશમાં આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૨૧,૩૭૦ થઈ ગઈ છે. જેમાં ૧૬,૩૧૯ એક્ટિવ કેસ છે. જ્યારે ૪૩૭૦ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. જ્યારે દેશમાં અત્યાર સુધી આ વાઈરસના કારણે મરનારા લોકની સંખ્યા ૬૮૧ થઈ ગઈ છે.
બીજી તરફ ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ૨૧૩૯૩ થઈ ગઈ છે. જેમાંથી ૧૬૪૫૪ કેસ એક્ટિવ છે અને ૪૨૫૮ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૧ નવા કેસો સામે આવ્યા છે, જ્યારે અહીં ૧૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૫૬૪૯ થઈ ગઈ છે અને ૨૬૯ લોકો મોતને ભેટ્યા છે. દેશમાં છેલ્લા ૧૨ કલાકમાં કોરોના વાઈરસના ૯૨૨ નવા કેસો સામે આવ્યા છે, જ્યારે ૨૯ લોકોના મોત થયા છે.