કોરોનામાં ભારતની સ્થિતિ દુનિયાના અન્ય દેશોની તુલનાએ ખૂબ જ સારી…
અર્થતંત્રનો મોટાભાગનો હિસ્સો ખુલી ગયો છે, આ સંજોગોમાં સાવધાનીની વિશેષ જરૂર છે, કોરોના સામેની લડાઈ લાંબી છે,યોગા કસરત કમ્યુનિટી, ઈમ્યુનિટી અને યુનિટી માટે વધારે સારા પૂરવાર થઈ શકે તેમ છે,કોરોનાની મહામારીમાં ગરીબો અને શ્રમિકોના દર્દને શબ્દોમાં વર્ણવી શકાય નહી…
દેશવાસીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લગાવવામાં આળસ ના કરેઃ મોદીની અપીલ…
ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત રેડિયો કાર્યક્રમમાં કોરોના મહમારીને રોકવા સમગ્ર દેશમાં અમલી બનાવાયેલા લોકડાઉન-૧થી ૪ દરમ્યાન દેશના લાખો ગરીબો તેમજ ખાસ કરીને બીજા રાજ્યોમાં રોજગાર માટે ગયેલા લાખો-કરોડો શ્રમિકોની પોતાના રાજ્ય કે ઘરે પરત પહોંચવામાં પડેલી તકલીફો અને મુશ્કેલીઓની વ્યથાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમવાર જાહેર કરીને તેમના પ્રત્યે પોતાની અને સરકારની સંવેદનાઓ પ્રગટ કરી હતી.
વડાપ્રધાન મોદીએ મહિનાના છેલ્લાં રવિવારે રેડિયોના માધ્યમથી તેમના રજૂ થતાં કાર્યક્રમ મન કી બાતમાં આજે મે માસના છેલ્લાં રવિવારે રાષ્ટ્ર જોગ સંબોધનમાં કોરોના મહમારી, શ્રમિકો, સેવાભાવી સંગઠનો, કોરોના વોરિયર્સ વગેરે.નો ઉલ્લોખ કરીને પોતાના વિચારો દર્શાવ્યાં હતા.
આજે ૩૧મીએ રવિવારે સવારે ૧૧ વાગે કરેલા સંબોધન પર સૌ કોઇની નજર રહેલી હતી કે વડાપ્રધાન લોકડાઉન અંગે કોઇ જાહેરાત કરશે. તેમણે વિવિધ વિષયોને આવરી લઇને એ બાબતનો સ્વીકાર કર્યો કે, કોરોના વાયરસ મહામારીની અસર સમાજના દરેક વર્ગને થઈ છે અને તેમાં પણ ગરીબો સૌથી વધુ પ્રભાવિત થયા હોવાનો ઉલ્લેખ તેમણે આ કાર્યક્રમમાં કર્યો હતો. દરેક લોકો ગરીબોને મદદરૂપ થવા પ્રયાસ કરી રહ્યા છે. તદઉપરાંત રેલવ દ્વારા નોંધપાત્ર પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન પહોંચવામાં મદદ કરી હોવાની વાત પણ મન કી બાતમાં મોદીએ કરી હતી.
મહામારીના સમયમાં ગરીબોને પડેલી મુશ્કેલી આત્મનીરિક્ષણનું કારણ બની ગઈ છે અને ભવિષ્ય માટે એક શીખ પણ આપી જાય છે. દેશના પૂર્વોત્તર ભાગની સમસ્યાનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે તે અન્ય ક્ષેત્રોની તુલનાએ વિકાસમાં પાછળ રહી ગયું છે. કોવિડ ૧૯ની અસર વિશ્વના દરેક ખૂણે થઈ છે અને ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી જો કે ભારતની સ્થિતિ દુનિયાના અન્ય દેશોની તુલનાએ ઘણી સારી હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યું હતું. દેશના દરેક ભાગમાં રહેલા લોકોનો નવીનતા માટેનો જુસ્સો તેમજ સેવાભાવનાને પણ પીએમએ બિરદાવી હતી.
વડાપ્રધાને કહ્યું અમારી સૌથી મોટી શક્તિ દેશવાસીઓની સેવા છે. આપણે ત્યાં સેવા પરમો ધર્મ કહેવામાં આવે છે. અન્ય લોકોની સેવામાં લાગેલી વ્યક્તિમાં કોઈ ડિપ્રેશન દેખાતુ નથી. તેમના જીવનમાં જીવંતતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ડોક્ટર, મીડિયા, નર્સિંગ સ્ટાફ, પોલીસ કે જેઓ સેવા કરી રહ્યા છે તેમના વિશે ઘણી વખત હું વાત કરી ચુક્યો છું. તેમની સંખ્યા અગણિત છે. દેશના અનેક વિસ્તારોમાંથી સેવાભાવી લોકોની માહિતી મળી રહી છે. આપણી માતા-બહેનો લાખોની સંખ્યામાં માસ્ક તૈયાર કરી રહી છે. કેટલાક લોકોએ નમો એપ પર તેમના પ્રયાસો અંગે માહિતી આપી છે. હું સમયના અભાવને લીધે આ લોકોના નામ લઈ શકતો નથી પણ તેમને હૃદયપૂર્વક અભિનંદન કરું છું.
વડાપ્રધાન મોદીએ આજે રવિવારે, લોકડાઉન-૫ કે જેને હવે અનલોક-૧ એવું નામ આપવામાં આવ્યું છે તે અંગેના ઉલ્લેખખ વચ્ચે ત્રીજી વખત ’મન કી બાત’માં તેમણે કહ્યું કે દેશમાં અર્થતંત્રનો મોટો હિસ્સો ખુલી ગયો છે, આ સંજોગોમાં સાવધાની રાખવાની જરૂર છે. બે ગજ અંતર, માસ્ક લગાવવા જેવી બાબતને લઈ ઉદાસીન વલણ અપનાવવું જોઈએ નહીં. આપણા દેશની વસ્તી અન્ય દેશોની તુલનામાં વધારે છે, માટે પડકારો પણ એટલા જ છે. પણ આપણે ત્યાં ખૂબ જ ઓછું નુકસાન થયું છે. આપણે સૌ જે પણ બચાવી શક્યા છીએ તે સામૂહિક પ્રયાસોથી શક્ય બન્યું છે.
તેમણે કહ્યું કે સમાજનો કોઈ વર્ગ એવો નથી કે જે કોરોનાની મહામારીની અસરથી મુક્ત હોય. ગરીબ વર્ગ પર તેની સૌથી વધારે માઠી અસર થઈ છે. આપણા પૈકી કોણ એવું હશે કે જે તેમની તકલીફને ન સમજી શકતા હોય. સમગ્ર દેશ તેમની તકલીફને સમજી શકે છે. તમામ વિભાગના કર્મચારી તેમના માટે સતત કાર્યશીલ છે.
વડાપ્રધાને અનલોક- વન સાથે જ અર્થતંત્રને ખોલવાના સરકારના પ્રયાસોને ટાંકીને જણાવ્યું કે હવે લોકોએ વધુ સતર્કતા રાખવી પડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમોનું અચુક પાલન કરવું પડશે.
દેશના અર્થતંત્રના મોટાભાગને ખોલી દેવામાં આવ્યો છે, એમ કહીને તેમણે વધુમાં કહ્યું કે, રેલવે અને ડોમેસ્ટિક એર ટ્રાવેલ પણ શરૂ થઈ ગયું છે અને આગામી સમયમાં બાકીના ક્ષેત્રોને પણ ખોલવાની વિચારણા છે. તેથી લોકોએ આવા સમયે વધુ સાવતેજ રહેવું પડશે.
તેમણે પ્રવાસી શ્રમિકોને ટ્રેન દ્વારા તેમના ઘરે મોકલવાની કામગીરીના સંદર્ભમાં કહ્યું કે, રેલવેના કર્મચારી કોરોના વોરિયર્સ છે. શ્રમિકોને મોકલવા, ભોજન-પાણી, ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રમિકો તેમના ગામો તરફ જઈ રહ્યા છે. મારું માનવું છે કે ગામોમાં હવે નવા ઉદ્યોગની સંભાવના ખુલી છે. આપણા ગામો, જીલ્લા, રાજ્યો આત્મનિર્ભર હોત તો સમસ્યા આ સ્વરૂપમાં આવી ન હતો, જે આજે આપણી સમક્ષ આવીને ઉભી છે.
કોરોના વાઇરસ કોવિડ ૧૯ની અસર વિશ્વના દરેક ખૂણે થઈ છે અને ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી જો કે ભારતની સ્થિતિ દુનિયાના અન્ય દેશોની તુલનાએ ઘણી સારી હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યું હતું. દેશના દરેક ભાગમાં રહેલા લોકોનો નવીનતા માટેનો જુસ્સો તેમજ સેવાભાવનાને પણ પીએમએ બિરદાવી હતી.